અમદાવાદમાં ભારતીય પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન બાદ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચેભારતીય પુરાવા એકઠા કરીને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી હતી. મહિલા પોતાનું નામ બદલીને વર્ષ 2014થી ભારતમાં રહેતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે મહિલાના 18 તારીખ સુધીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટના આધારે તપાસ આદરી હતી. જેમાં અમદાવાદમાં વર્ષ 2016થી રહેતી ઝરણા અખ્તર શેખ ઉર્ફે જોયા નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં મહિલા જોયા બનીને ભારતમાં આવી અને વર્ષ 2016માં મહિલાએ અમદાવાદમાં વસવાટ કર્યો અને પછી વર્ષ 2017માં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા હતા. જેમાં મહિલાએ ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.
પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે પતિને શું થઈ જાણ
મહિલાએ અમદાવાદમાં ભાડા કરાર કરાવીને રહેતી હોવાના આધારે પાસપોર્ટ માટે અરજી કરી હતી. નારોલ પોલીસે તેનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. જો કે, આગળ જતાં તેને પાસપોર્ટ મળ્યો હતો. મહિલાએ જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું અને તેમને સંતાન હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલા બાંગ્લાદેશી હોવાને લઈને જ્યારે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે તેના પતિને આ મામલે જાણ થઈ હતી. આ ઉપરાંત મહિલા બનાવટી પાસપોર્ટના આધારે સાઉદી પણ ગઈ હતી અને ત્યાં તેણે 10 મહિના નોકરી પણ કરી હતી. તેમજ તે 3 વખત બાંગ્લાદેશ અને સાઉથ ઈસ્ટ એશિયા ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશથી આવતા લોકોને ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા પઠાણ આશ્રય આપતો હતો અને બાદમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં મદદ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
ગત સપ્તાહે ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા
અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 1000 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.અમદાવાદમાંથી 800 તેમજ સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. જ્યારે સુરતમાં 134માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ