બગોદરા – બાવળા હાઇવે ફરી થયો રક્તરંજિત, મોગલધામ નજીક ઈકો કાર પલટતાં એકનું મોત, છ ઘાયલ

અમદાવાદઃ બગોદરા-બાવળા હાઇવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. મોગલધામ નજીક ઈકો કાર પલટતાં એકનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા. ચોટીલાથી દર્શન કરીને સાબરકાંઠા તરફ પરત ફરી રહેલા યાત્રિકોથી ભરેલી એક ઈકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વાન પલટી મારીને 50 મીટર દૂર ફંગોળાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો વાન પલટી મારીને રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને લગભગ 50 મીટર દૂર સુધી ફંગોળાઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને આસપાસના વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બગોદરા અને બાવળા 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઇજાગ્રસ્તોને અમદાવાદ ખસેડાયા
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી તમામને વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…પાલનપુર-ડીસા હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે કાર ટકરાઈને ફંગોળાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ



