અમદાવાદ

અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સ પર તંત્રએ બોલાવી તવાઈ

અમદાવાદઃ રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે.

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં આ ૮ મેડિકલ સ્ટોર્સ પૈકી ૫ મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં કફ સીરપ દવાનું વેચાણ કરવામાં આવતું હતું. બાકીના અન્ય ૩ મેડિકલ સ્ટોર્સ પૈકી ૨ મેડિકલ સ્ટોર્સ ખાતે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હાજર હતા અને કફ સીરપ દવાનું વેચાણ કરતાં હતા. જ્યારે બાકીના ૧ મેડિકલ સ્ટોર્સ તપાસ સમયે બંધ માલૂમ પડયા હતા. આથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપીને તાત્કાલીક ખુલાસો કરવાં જણાવવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સના ખુલાસા આવ્યા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે. તંત્ર દ્વારા સમયાંતરે રાજ્યમાં આવેલા મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવે છે તેમજ રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી, એક્ષપાયર્ડ-ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર વેચાતી કફ સિરપ, એમ.ટી.પી. કીટ તથા અન્ય ક્ષતીઓ બાબતે સને ૧૯૪૦નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

આપણ વાંચો:  તથ્ય પટેલના હત્યાકાંડનો ભોગ બનેલા મિઝાનને ઉઠવા-બેસવાની તકલીફ છતાં કોર્ટમાં આપી જુબાની

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button