અમદાવાદમાં ડ્રગ્સ માફિયા બેફામ, પોલીસને ગાડીથી કચડવાનો કર્યો પ્રયાસ! પછી શું થયું?

અમદાવાદઃ શહેરમાં જાણે ડ્રગ્સ-પેડલરને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ બેફામ વર્તી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જ અમદાવાદનાં આશ્રમ રોડ પર ડ્રગ પેડલરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ડ્રગ પેડલરે કારની આગળ અને પાછળ બન્ને બાજુએ ઉભેલા પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો.
મળતી વિગતો અનુસાર એસોજીની ટીમને મળેલી બાતમીના આધારે આશ્રમ રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બહેરામપુરાનો એક ડ્રગ્સ-પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખની બાતમી વાળી કાર વોચના સ્થળ પર આવી હતી. આ દરમિયાન પોલીસે તે કારને કોર્ડન કરવા માટે કારની આગળ અને પાછળ એક બાઈક ગોઠવી દીધી હતી.
આપણ વાંચો: અમરેલીમાં હત્યાને ઇરાદે ત્રણ જણ પર કાર ચઢાવી દીધી? ઘટના CCTVમાં કેદ…
જો કે ત્યારે પીએસઆઈએ તેમની ઓળખ આપ્યા બાદ કારચાલકને કારમાંથી નીચે ઊતરવા કહ્યું ત્યારે કાર થોભાવવાને બદલે ચાલકે કારને હંકારી મૂકી હતી અને પીછો કરવા માટે આવેલી પોલીસની બાઈકને પછાડી દીધી હતી. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપી કાર ચાલકે તેનું નામ મહંમદ હમજા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી પોલીસે 58.100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો, જેનું અંદાજીત બજાર મૂલ્ય 5.81 લાખ રૂપિયા થતું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આરોપી મુલ્લા શેખની ધપકડ કરી વધુ પૂછપરછ આદરી હતી અને આ દરમિયાન તેણે કબુલ્યું હતું કે તે મકબુલ ખાન પઠાણ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે તે એમ.ડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. હવે તેની પાસે નશો કરવા માટે રૂપિયા ન હોવાથી બે વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરી કમિશન લેતો હતો.