ASI અને AMCનો સુપરવાઇઝર 1.44 લાખની લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા,

અમદાવાદઃ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. ગોધરા SRP ગ્રુપ-5ના કર્મચારી ધિરાણ મંડળીના મંત્રી અને ASIએ ગિફ્ટ આર્ટિકલનું બિલ પાસ કરાવવા માટે ગિફ્ટ સપ્લાય કરનાર વેપારી પાસેથી લાંચની માંગણી કરતા ખળભળાટ મચ્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેનાર SRPના ASI અને તેના વતી પૈસા લેવા ગયેલા AMCના સુપરવાઇઝરને ઝડપી પાડ્યા છે.
ગોધરા SRP ગ્રુપ 5માં ફરજ બજાવતા ASI રોશન કુમાર ભુરીયા કર્મચારી ધિરાણ ગ્રાહક સરકારી મંડળીના મંત્રી છે.સપ્ટેમ્બર મહિનામાં તેમણે મંડળીના સભ્યોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો. 13 નવેમ્બરના રોજ ફરિયાદી (ગિફ્ટ સપ્લાયર) દ્વારા ₹ 8.37 લાખના બિલના ગિફ્ટ આર્ટિકલ મોકલી આપવામાં આવ્યા હતા. બિલ પાસ કરવાના બદલામાં રોશન કુમારે બિલની રકમના કુલ 30% લેખે ₹ 2.51 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ રકઝક કર્યા બાદ શરૂઆતમાં રોશન કુમારના કહેવાથી AMCના કોન્ટ્રાક્ટ પરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રિન્સ ડામોર નામના વ્યક્તિને ₹ 97,000 આપી દીધા હતા. આ પછી પણ રોશન કુમારે બાકીના ₹ 1.44 લાખની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદીએ લાંચ આપવા ન માંગતા ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદીએ બાકીની લાંચની રકમ આપવા માટે રોશન કુમારને તેમની નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યા હતા.
રોશન કુમાર વતી ફરી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર જ આવ્યો હતો. ACBએ પ્રિન્સ ડામોરને ફરિયાદીની ઓફિસમાં જ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય આરોપી ASI રોશન કુમાર ભુરીયાને ઓઢવ રીંગરોડ ખાતે આવેલા AMCના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…પાટણમાં ACBની મોટી કાર્યવાહી, UGVCLનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…



