ગુજરાતમાં કેજરીવાલ-ભગવંત માન ફરી મેદાને: જેલમાં બંધ ચૈતર વસાવા માટે કરશે રેલી!

અમદાવાદ: તાજેતરમાં જ વિસાવદર બેઠક પર જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની મજબુત રાજકીય પકડ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ફરીથી ગુજરાત આવવાના છે.
બન્ને નેતાઓ સાબરકાંઠામાં ચાલી રહેલા પશુપાલકોના આંદોલન અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં મોટી રેલી યોજશે. આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ બન્ને નેતાના પ્રવાસની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલ આ કોના લગ્નમાં ડાન્સ કરી રહ્યા છે? વીડિયો થયો વાઈરલ…
અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે
આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આગામી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આગામી ૨૩ જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ યોજવામાં આવશે તેમજ જેલમાં બંધ આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસીઓના પ્રશ્નોના 24 જુલાઈના રોજ તેઓ ડેડીયાપાડા ખાતે “ન્યાય સભા” યોજવાના છે.
આપણ વાંચો: વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
મૃતક પશુપાલકના પરિવારને 1 કરોડની સહાયની માંગ
ઇસુદાન ગઢવીએ સાબર ડેરીના ભાવફેરનો વિરોધ કરી રહેલા પશુપાલકના મૃત્યુ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતાં અને મૃતક પશુપાલકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1 કરોડ રૂપિયા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ સરકારે પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે.
આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને કોર્ટમાંથી જામીન નહીં મળવાને કારણે હાલ તેઓ જેલમાં બંધ છે.