અમદાવાદમાં નકલી ડૉક્ટરના નામે ચાલતી બીજી હોસ્પિટલ ઝડપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો ઝડપાતા આવ્યા છે, પરંતુ હવે અમદાવાદ જિલ્લામાં આખી નકલી હૉસ્પિટલો ઝડપાઈ રહી છે. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડૉક્ટર સાથે આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત બૉગસ ડોક્ટર સાથેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ છે. બોગસ ડોક્ટરની બાવળા બાદ મોરૈયા ખાતે પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાનું બહાર આવ્યુ છે.
આ પણ વાંચો: હવે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ડોકટરોને ઓળખવાનું બનશે સરળ, ‘QR કોડ’ સ્કેન કરો અને…
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં નકલી સ્કૂલ, નકલી ટોલનાકું, નકલી IAS અધિકારી બાદ હવે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા નકલી ડોક્ટર ઝડપાવવાની ઘટના બની રહી છે. બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 10મી જુલાઈ બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં મેહુલ ચાવડા નામની વ્યક્તિ કોઈ ડિગ્રી વિના જ ડૉક્ટર હોવાનો સ્વાંગ રચીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું કે દર્દીની ફાઇલમાં ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું નહોતું. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યારે તપાસમાં હવે આ જ મેહુલ ચાવડાની વધુ એક નકલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ મોરૈયા ખાતે હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળી હતી. જેના પગલે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તેમની ટીમ દ્વારા આ કથિત મોરૈયા જનરલ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડવામાં આવ્યા તે અગાઉ જ મેહુલ ચાવડા અને સાગરીતો હોસ્પિટલના સાધનો લઈને ફરાર થઈ ગયા હતા.
નકલી ડૉક્ટરોને ઝડપવા મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે ડૉક્ટરોને ક્યુ આર કૉડ આપવાની સિસ્ટમ અમલમાં મૂકી છે. ગુજરાત સરકારે પણ આવું કંઈક આયોજન કરવાની જરૂર છે.