ગુજરાતમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો, રિક્ષા ડ્રાઈવર ક્રાઈમ બ્રાંચનો પોલીસ બનીને લોકોને લૂંટતો

અમદાવાદઃ ગુજરાતમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો હતો. રિક્ષા ડ્રાઈવર ક્રાઈમ બ્રાંચનો પોલીસ બનીને લૂંટતો હતો. નરોડા પોલીસે ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાનો ડોળ કરીને એક રહેવાસી પાસેથી ₹ 40,000 પડાવનારા રિક્ષા ચાલકને બાતમીના આધારે ઝડપી લીધો હતો. તેની પાસેતી લૂંટાયેલી રકમ રિકવર થઈ હતી.
પકડાયેલા આરોપીની ઓળખ રખિયાલના રહેવાસી મોહમ્મદ શારુખ (ઉંમર 32) તરીકે થઈ હતી. તે વ્યવસાયે રિક્ષાચાલક છે, પરંતુ નિર્દોષ લોકોને ડરાવવા અને પૈસા પડાવવા માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપતો હતો.
પોલીસે બાતમીના આધારે ઝડપ્યો
નરોડા વિસ્તારમાં એક વ્યક્તિ પોલીસ હોવાનો ઢોંગ કરી ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ધનુષધારી મંદિર રોડ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ શખ્સ નરોડા તરફ આવતો દેખાતા પોલીસે તેને આંતર્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો. જોકે, જ્યારે પોલીસે ઓળખપત્ર માંગ્યું, ત્યારે તે રજૂ કરી શક્યો નહોતો અને અંતે ગુનો કબૂલ્યો હતો. તેણે સ્વીકાર્યું હતું કે કાયદેસરની કાર્યવાહીની ધમકી આપીને ફરિયાદી પાસેથી ₹40,000 વસૂલ્યા હતા.
આરોપીનો છે ગુનાહિત ઈતિહાસ
પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી, હુમલો, ખંડણી અને ખોટી ઓળખ આપવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેણે અગાઉ પણ આ જ રીતે અન્ય લોકોને નિશાન બનાવ્યા હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂકરી છે.



