Ahmedabadમાં નશામાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, લોકોએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદઃ શહેરમાં નશામાં વધુ એક નબીરાએ અકસ્માત (Ahmedabad Accident News) સર્જ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ હિમાલયા મોલ પાસે સોમવારે મોડી રાત્રે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, જોકે કારચાલકે છરી બતાવીને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આ દરમિયાન ક્રોધે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કારચાલકને ફટકાર્યો હતો. જોકે પોલીસે કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે મામલો
હિમાલયા મોલ પાસેથી સોમવારે રાત્રે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં શહેરમાં હોળીના દિવસે કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી રક્ષિત ચૌરરિસાએ આઠ લોકોને ઉડાવ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આરોપીએ અકસ્માત સર્જયો ત્યારે હાજર લોકોએ તેને ઢોર માર માર્યો હતો. જેના પગલે તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે હવે ઘટનાના 11 દિવસે આરોપીને મોઢાની પ્લાસ્ટીક સર્જરી માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…અંજારમાં પણ ચાલી બુલડોઝર ડ્રાઈવઃ બની બેઠેલા માથાભારે બાબાનું બાંધકામ જમીનદોસ્ત…