ગુજરાતના ખેડૂતોને વધુ એક ઝટકો: IFFCO એ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો! | મુંબઈ સમાચાર

ગુજરાતના ખેડૂતોને વધુ એક ઝટકો: IFFCO એ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો!

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને કૃષિ પાકના પોષણક્ષમ ભાવની સામે પડતર ખર્ચ વધી રહ્યો છે. ત્યારે દેશની સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ એટલે કે ઈફ્કોએ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, ઈક્ફોએ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીંક્યો છે.

ઈફકોએ એનપીકે ખાતરની એક થેલી પર રૂપિયા 130 નો વધારો કર્યો છે. એક થેલીનો ભાવ 1720 રૂપિયાથી વધારીને 1850 કરાયો છે. ખાતરના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર ખેડૂતો પર થશે, જેથી ખેડૂત સંગઠનોએ ઈફ્કોના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો.

6 મહિનામાં જ ભાવવધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં એનપીકે ખાતરમાં ભાવમાં વધારો કરાયો હતો. જે તે સમયે એનપીકે ખાતરની 50 કિલોની થેલી 1470 રૂપિયામાં મળતી હતી. તેમાં રૂપિયા 250નો વધારો કરીને 1720 રૂપિયા કરી દેવાયો હતો. 6 મહિનામાં નવો ભાવવધારો લાગુ થતાં ખેડૂતો માટે ખેતીમાં નવો બોજો વધ્યો છે.

આપણ વાંચો:  ગુજરાતના 17 વર્ષ જૂના SIR પ્રોજેક્ટની ‘ધીમી’ ગતિ: 13માંથી માત્ર 3 ઝોન કાર્યરત

ખેડૂત સંગઠનોએ નોંધાવ્યો હતો વિરોધ

ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનોએ ખાતરના ભાવ વધારા બાબતે વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ખાતરમાં સબસીડી આપીને ભાવ વધારો રોકવા માટે રજૂઆત કરી હતી. યુરિયાની જેમ એનપીકે ખાતરમાં પણ સબસીડી આપવા માંગ કરી છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખરીફ પાકમાં હાલ ખાતરની જરૂરીયાત છે તેવા સમયે સરકારે ખેડૂતોને ઝટકો આપ્યો છે. ભાવ વધારાથી ખેડૂતોનો કૃષિમાં પડતર ખર્ચ વધી જશે. એકતરફ કૃષિ પાકોના પોષણક્ષણ ભાવ મળતાં નહી હોવાથી ખેડૂતોને નજીવા ભાવે વેચાણ કરવા પડે છે. તેવા સમયે કૃષિ પાકોની પડતર વધી જતાં છેવટે ખેડૂતો દેવાદાર બનશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button