અમદાવાદમાં BRTS રૂટ પર વધુ એક અકસ્માત: સ્પીડ ભારે પડી, બાઇક સવારનું રેલિંગ સાથે અથડાયા બાદ કરૂણ મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોમવારે મોડી રાતે એક બાઇક ચાલક બીઆરટીએસની રેલિંગ સાથે અથડાતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના વેજલપુરમાં રહેતો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડી રાતે તેનું બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ પાસે પાર્થ પૂર ઝડપે બાઈક લઈને અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક રેલિંગ સાથે ટકરાતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા તેના પરિવાજનો સ્થળ પર પહોંચ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસીને અકસ્માતનું કારણ જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
ગઈકાલે પણ અમદાવાદમાં અકસ્માતની આવી જ એક ઘટના બની હતી. અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો 21 વર્ષીય યુવાન કથન ખરચર રોજની જેમ સવારે ઓફિસ જવા માટે નીકળ્યો હતો. ગાંધીનગરથી તે એસ.જી. હાઇવે પર નિરમા યુનિવર્સિટી નજીક પહોંચ્યો હતો, તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનો પણ પહોંચી ગયા હતા. જુવાનજોધ દીકરાના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.



