અમદાવાદ

‘અંકિતા શર્મા’એ આર્મીના સૂબેદારને હની ટ્રેપમાં ફસાવ્યો ને……………..ગુજરાતમાં પાકિસ્તાન સ્પાય નેટવર્ક

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે જાસૂસી નેટવર્ક બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે. રાશમનીએ તેની ઓળખ અંકિતા શર્મા તરીકે આપી હતી. આ નામનો ઉપયોગ કરીને તેણે આર્મીના સૂબેદારને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. બંને આરોપીઓ જાસૂસી કરીને પાકિસ્તાન માહિતી મોકલતા હતા. ગુજરાતે એટીએસ બંનેને ઝડપી લેતા રાજ્યમાં પાકિસ્તાન સ્પાય નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

તપાસમાં શું આવ્યું

તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (PIO)ના હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો.

અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ, અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાંકીય લાભના બદલામાં શેર કરી હતી. PIOએ અજયકુમારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર ફાઇલ પણ મોકલી હતી. આ માલવેર ઇન્સ્ટોલ થવાથી PIO હેન્ડલરો વોટ્સએપ વગર પણ તેના ડેટાનો સીધો એક્સેસ મેળવી શકે તેમ હતા.

દમણ ખાતે રહેતી રાશમની રવિન્દ્ર પાલ આ નેટવર્કમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે પાકિસ્તાની હેન્ડલરો અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. નાણાકીય લાભના બદલામાં, રાશમનીને ‘પ્રિયા ઠાકુર’ નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરવા અને ગુપ્ત માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મુવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.

તપાસમાં આરોપીઓના મોબાઇલમાંથી આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટ્સએપ કોલ અને નાણાકીય વ્યવહારોની વિગતો મળી આવી છે. IP એડ્રેસની ચકાસણીમાં આ જાસૂસી નેટવર્કના મુખ્ય હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત મહિને ગુજરાત એટીએસએ આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી હૈદરાબાદ-તેલંગાણાના ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આ પણ વાંચો…ઓટીટી પર આવી રહી છે વધુ એક સ્પાય થ્રિલર, જોવાનું ચૂકશો નહીં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button