અબોલ પ્રાણીઓના કલ્યાણ માટે ઉત્તરાયણથી રાજ્યમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું”…
અમદાવાદ: રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. 14 થી 30 જાન્યુઆરી 2025 સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતની 70થી વધુ પાલિકાનું 500 કરોડથી વધુ વીજબિલ બાકી
તાલીમ શિબિર પ્રાણી કલ્યાણના કાર્યક્રમો
પ્રાણી કલ્યાણ બોર્ડના જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બિમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, વંઘ્યત્વ નિવારણ કેમ્પ એંટીરેબીસ કંટ્રોલ પ્રોગ્રામ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે.
પક્ષીઓ માટે સાનુકુળ વૃક્ષોના વાવેતર માટે અનુરોધ
આ પખવાડીયા દરમિયાન “ઓક્સીટોસીન” ઇંજેક્શનના દુરૂપયોગ બાબતે લોક જાગૃતી કેળવવી, મોટા પ્રમાણમાં પક્ષીઓ માટે સાનુકુળ વૃક્ષો જેવા કે જાંબુ, લીમડો, પીપળ, શીમળના વાવેતર માટે નાગરિકોને અનુરોધ કરાશે. પશુ પક્ષીઓને પુરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે તે માટે માટીના વાસણ-કુંડાનું વિતરણ કરાશે.
આ પણ વાંચો : પતંગરસિયાઓની મોજમાં પડશે વિઘ્ન! હવામાન વિભાગે કરી “માઠી આગાહી”
આ ઉપરાંત સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાશે. પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરાશે.