આણંદ પાલિકાએ કર્યું સરાહનીય કામ, જલપરી વોટર ફેસ્ટિવલ બંધ કરાવ્યો કારણ કે…

આણંદઃ રાજ્યની આણંદ નગરપાલિકાએ જલપરી વોટર ફેસ્ટિવલ અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એપીસી સર્કલ નજીક રાજપથ માર્ગ પર યોજાતો જલપરી વોટર ફેસ્ટિવલ અમુક મંજૂરીઓ ન મળી હોવાના કારણે બંધ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ખાનગી મેદાનમાં યોજાતા આ કાર્યક્રમ માટે જોઈતી ફાયર સેફ્ટીની પરવાનગી અને અન્ય મંજૂરી ન મળી હોવાનું તપાસ માટે આવેલી ટીમના ધ્યાનમાં આવ્યું હતું. મનોરંજક કાર્યક્રમો માટે ફાયર એનઓસી લેવાનું ફરજિયાત છે અને આ સાથે અન્ય પરવાનગીઓ પણ લેવાની હોય છે, પંરતુ આયોજકોએ પરવાનગી ન લીધી હોવાથી ફેસ્ટિવલ બંધ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાચો: આણંદ હવે “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” તરીકે ઓળખાશે: કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય!
સૂત્રોએ જણાવ્યું હતું કે નિયમોનું ઉલંઘન કરી તંબુ ઊભા કરવામાં આવ્યા હતા, ફાયર સેફ્ટીના સાધનો ન હતા, માત્ર એક જ ગેટ હતો, જ્યાંથી એન્ટ્રી-એક્ઝિટ બન્ને હોય. આ સાથે પાર્કિગ અને સ્વચ્છતાનો પણ અભાવ હતો. ફેસ્ટિવલના મુલાકાતીઓની સલામતીની પૂરતી વ્યવસ્થા ન હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે શહેરમાં કોઈપણ કાર્યક્રમનું આયોજન કરતા પહેલા તમામ આયોજકોએ સ્થાનિક નિયમોનું કડક પાલન કરવું જોઈએ, જરૂરી મંજૂરીઓ મેળવવી જોઈએ અને સલામતીની વ્યવસ્થા કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સ્થાનિક તંત્ર સલામતી માટે વધારે સતર્ક બન્યું છે, જે સરાહનીય છે.



