GSTમાં ધરખમ ફેરફાર છતાં અમૂલ દૂધના ભાવ નહીં ઘટે, ડેરીના એમડીએ સ્પષ્ટતા કરી

અમદાવાદઃ GST કાઉન્સિલની 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી 56મી બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દરોને બે સ્લેબમાં તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાલના 12 ટકા અને 28 ટકા દરોને મર્જ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ પગલાથી લોકોમાં જીવનજરૂરીયાતની ચીજોના ભાવ ઘટશે તેની આશા બંધાણી છે. જેમાં અમૂલ ડેરી બ્રાન્ડ્સના પાઉચ મિલ્કના ભાવમાં પણ ઘટશે તેવી શક્યતા હતી.
અમૂલ ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, દુધના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તાજા પાઉચ મિલ્કના ભાવમાં કોઈ ફેરફાર સૂચવવામાં આવ્યો નથી કારણ કે જીએસટીમાં કોઈ ઘટાડો થયો નથી. પાઉચ મિલ્ક પર હંમેશા શૂન્ય ટકા જીએસટી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા નવા જીએસટી દરો પછી, પેકેજ્ડ દૂધ પ્રતિ લિટર ભાવ 3 થી 4 રૂપિયા સુધી ભાવ ઘટી શકે છે. જો કે આ બાબતે અમૂલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવતા હવે આ મુદ્દે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
જોકે, મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે મીડિયા અહેવાલો ખોટા છે કારણ કે પાઉચ મિલ્ક હંમેશા જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા કર માળખા હેઠળ રાહત ફક્ત (અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર) યુએચટી દૂધ પર લાગુ થશે, જે હવે જીએસટી દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવતા સસ્તું થશે. જીએસટી દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવતા 22 સપ્ટેમ્બરથી ફક્ત લાંબા ગાળાના યુએચટી દૂધના ભાવમાં ઘટાડો થશે.
અત્રે નોંધનીય છે કે, દૂધમાં યુએચટી એટલે (અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર (અથવા અલ્ટ્રા હીટ ટ્રીટમેન્ટ) પ્રોસેસિંગ, જેમાં દૂધને ઓછામાં ઓછા 135° સેલ્સિયસ પર થોડી સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, જેનાથી લગભગ તમામ સુક્ષ્મસજીવોનો નાશ થાય છે અને જંતુરહિત ઉત્પાદન બનાવવામાં આવે છે. ટેટ્રા પેક્સ જેવા એસેપ્ટિક પેકેજિંગ સાથે જોડાયેલી આ પ્રક્રિયા, યુએચટી દૂધને રેફ્રિજરેશન વિના ઘણા મહિનાઓનું લાંબુ શેલ્ફ-લાઈફ આપે છે.