Top Newsઅમદાવાદ

ઈફ્કોને પછાડી અમૂલ બની નંબર-1 કો-ઓપરેટિવ, મુખ્ય પ્રધાને કહી આ વાત

અમદાવાદઃ યુએન ઈન્ટરનેશનલ યર ઓફ કો ઓપરેટિવ 2025 પૂરું થાય તે પહેલા અમૂલ માટે સારા સમાચાર આવ્યા હતા. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ને વિશ્વ સ્તરે પ્રથમ રેન્કિંગ મળ્યું હતું. અમૂલે ઈફ્કોને પછાડી નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. આઈસીએ વર્લ્ડ કો ઓપરેટિવ મોનિટર 2025 દ્વારા આ જાહેરા કરવામાં આવી હતી. દોહામાં એક કાર્યક્રમ દરમિયાન 300 કો ઓપરેટિવના જીડીપી આધારિત મોનિટરિંગ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોથી આ વૈશ્વિક સંસ્થા દ્વારા કો ઓપરેટિવમાં આપવામાં આવતા રેન્કિંગમાં ભારતની બે કો ઓપરેટિવ અમૂલ અને ઈફ્કોનો દબદબો રહ્યો છે.

અમૂલે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025ના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ને માથાદીઠ જીડીપી પ્રદર્શનના આધારે વિશ્વમાં નંબર 1 સહકારી સંગઠન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ અહેવાલ કતારના દોહામાં યોજાયેલી ICA CM50 કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાને શું લખ્યું

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને અમૂલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, અમૂલને વિશ્વનું નંબર 1 સહકારી સંગઠન બનવા બદલ અભિનંદન. ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની અવિરત સમર્પણ ભાવના સાથે, અમૂલ ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે ઉભરી આવ્યું છે. તેણે તેના વિશાળ સહકારી નેટવર્ક દ્વારા લાખો ડેરી ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપી છે અને અસંખ્ય ગ્રામીણ જીવનમાં પરિવર્તન લાવ્યું છે.

આ છે જીસીસીએમએફની સફળતાનું રહસ્ય

અમૂલના એમડી જયેન મહેતાએ કહ્યું, અમૂલની પ્રોડક્ટના 38 ટકા ગ્રાહકો શહેરો અને ગામડાના છે. જેનાથી અમૂલ માત્ર શહેરની જ બ્રાન્ડ નથી તે સાબિત થાય છે. અમૂલના પૂર્વ એમ ડી અને ઈન્ડિયન ડેરી એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. આર એસ સોઢીએ કહ્યું, બજારમાં આજે નેશનલથી વધારે સિટી અને રીજલન બ્રાન્ડ પસંદ કરવામાં આવે છે. જે પ્રોડક્ટનું પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે થતું હોય તેમને વધારે લોકો પસંદ કરે છે. અમૂલનો વર્ષોથી માર્કેટમાં દબદબો આજે પણ છે અને આવનારા સમયમાં પણ રહેશે.

અમૂલના પછી બની હતી GCMMF

અમૂલ પછી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સ્થાપના થઈ હતી. GCMMF સાથે જોડાયેલા જાણકારોનું માનીએ તો, આ સંસ્થાને બન્યે 50 વર્ષ પૂરાં થઈ ગયાં છે. વર્ષ 2024, ફેબ્રુઆરીમાં જ તેની ગોલ્ડન જ્યુબિલી મનાવવામાં આવી હતી. તેની સ્થાપનાનો વિચાર પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ દરમિયાન આવ્યો હતો.

વર્ષ 1946 થી 1974 દરમિયાન ડેરી સહકારી આંદોલન ચાલ્યું હતું. તે સમયે, આ આંદોલન ગુજરાતના ખેડા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને સુરત છ જિલ્લાઓમાં ચાલી રહ્યું હતું. જ્યારે આ જિલ્લાઓની દૂધ સહકારી સમિતિઓ તેમની ડેરી પ્રોડક્ટ્સ લઈને બજારમાં આવી, ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓ દ્વારા તેમનું અલગ-અલગ રીતે શોષણ થવા લાગ્યું હતું, આને કારણે જ સમિતિઓનું આંદોલન શરૂ થયું.

આ સમય દરમિયાન, છ જિલ્લા દૂધ સંઘોના અધ્યક્ષો અને ડૉ. વર્ગીસ કુરિયને મળીને GCMMFની સ્થાપના કરી હતી. તેનો હેતુ પોતાનું ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ નેટવર્ક ઊભું કરવાનો હતો. હાલમાં ગુજરાતના 18 જિલ્લા દૂધ સંઘો GCMMFના નેટવર્કનો હિસ્સો છે. આજે તેમનો કારોબાર લગભગ 90 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો થઈ ગયો છે. આજે GCMMF 36 લાખ ખેડૂતો સાથે દુનિયાની સૌથી મોટી ડેરી સહકારી સમિતિ છે.

આ પણ વાંચો…અમૂલની મોટી પહેલ: ડુપ્લિકેટ પ્રોડક્ટ અને ભેળસેળ અટકાવવા દરેક પ્રોડક્ટ પર QR કોડ ફરજિયાત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button