અમદાવાદ

એએમટીએસની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકાશે, બે નંબર કર્યા જાહેર…

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નો દરરોજ ઘણા લોકો ઉપયોગ કરે છે. ઘણા લોકોને લાલબસ તરીકે ઓળખાતી આ સર્વિસને લઈ ફરિયાદ હોય છે. આ સેવાનો લાભ લેતા મુસાફરો હવે વોટ્સએપથી પણ તેમની ફરિયાદ નોંધાવી શકશે. તંત્ર દ્વારા 8511171941 અને 8511165179 બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. બંને નંબર ઉપર કોઈપણ મુસાફર ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. મુસાફરોને સારી સુવિધા અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા તેમજ સુરક્ષિત મુસાફરી કરવા મળે તેના માટે આ ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

આ નંબર ઉપર ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડમાં બસ ચલાવવી, સ્ટેન્ડ પર બસ ઉભી રાખવી નહીં, મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, ગંદકી, અવસ્થા તેમજ અન્ય કોઈ ખામી અંગેની ફરિયાદ કરી શકાશે. તંત્ર દ્વારા મુસાફરોની ફરિયાદના આધારે તપાસ કરી જે તે જવાબદાર વ્યક્તિ અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના કહેવા મુજબ, અત્યાર સુધી ટેલિફોનિક ફરિયાદ કરી શકતા હતા, જે ફરિયાદ નોંધવામાં આવતી હતી અને ત્યારબાદ તેમાં કાર્યવાહી થતી હતી. પરંતુ હવે મુસાફરો સ્થળ ઉપરથી જ ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરોને વધારે સારી સુવિધા મળી રહે અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા માટે બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

તાજેતરમાં એએમટીએસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવામાં આવશે. બીઆરટીએસના બહારના રોડ પર મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે એએમટીએસની બસોને કોરિડોરમાં દોડાવવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસ 25 એપ્રિલ, 2025થી શરૂ કરવામાં આવી છે. તેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી હવે એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો કોરિડોરમાં દોડશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી બહાર નીકળતી વખતે સિક્યોરિટી ગાર્ડ તેમની ટિકિટ ચેક કરી બહાર જવા દેશે.

આપણ વાંચો : IPL માટે જબરૂ ઝનુન…અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો, Video વાયરલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button