
અમદાવાદ: શહેરમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. નવા વાડજ વિસ્તારમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થતાં એક યુવક નીચે દટાઈ ગયો હતો.
જેનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક લોકો તેમજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાઈ થઈ હતી.
આ દરમિયાન દીવાલ નજીક જ રહેતો 30 વર્ષીય યુવાન સુરેશ ભરવાડ દીવાલ નીચે દટાઈ ગયો હતો, ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા. લોકોએ યુવકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જો કે દીવાલ નીચે દટાયેલાં યુવકનું મૃત્યુ થયું હતું.
જો કે સ્થાનિકોએ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.હાલ આ મામલે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…AMTS બસની બ્રેક ફેલ થયા બાદ બસે 8 ગાડીઓને ટક્કર મારી; 4 લોકો ઘાયલ