અમૃત ભારત ટ્રેન ગુજરાતમાંથી દોડાવવાનો તખતો તૈયાર, હશે "કંઈક" આવી? | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમૃત ભારત ટ્રેન ગુજરાતમાંથી દોડાવવાનો તખતો તૈયાર, હશે “કંઈક” આવી?

વંદે ભારત પછી રેલવે હવે આલિશાન અમૃત ભારત ટ્રેન દોડાવવા સજ્જ!

અમદાવાદઃ ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત ટ્રેન દિવાળી સુધીમાં મળવાની શક્યતા છે. આ ટ્રેન અમદાવાદથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ટ્રેન સંપૂર્ણપણે નોન એસી હશે. જેથી મુસાફરીનો ખર્ચ પણ ઓછો થશે. આ ટ્રેનનું ભાડું સામાન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવી શકે છે. આ ટ્રેનમાં ખાસ પ્રકારના નવા ડબલ ડેકર એન્જિન લગાવવામાં આવી શકે છે.

સામાન્ય રીતે અન્ય ટ્રેનો અમદાવાદથી વારાણસી 28થી 30 કલાકમાં પહોંચે છે ત્યારે આ ટ્રેન સરેરાશ 120થી 130 કિમીની ઝડપે દોડી 22થી 24 કલાકમાં વારાણસી પહોંચાડશે. અમૃત ભારત એક્સપ્રેસ 20 એલએચબી કોચ અને ટ્રેનની બન્ને બાજુએ એન્જિન ધરાવતી ટ્રેન હશે. જેથી આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બન્ને દિશામાં મહત્તમ 160થી 180 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે. એર બ્રેકમાં ટ્રેન રોકાવામાં જે સમય લાગે છે તે આ ઈપી બ્રેકમાં નથી લાગતો. તમામ કોચમાં એક સાથે બ્રેક લાગતા ઓછા અંતરમાં જ ટ્રેન રોકાઈ જાય છે અને ઝટકો લાગતો નથી.

ઉલ્લેખનીય છે કે, રેલવેએ જનરલ ક્લાસ મુસાફરીની માંગ કરતા મુસાફરો માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. છેલ્લા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 1250 જનરલ કોચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક અમૃત ભારત ટ્રેનો વિશ્વ કક્ષાના અનુભવ સાથે નોન-એસી રેલ મુસાફરીને પુનઃ વ્યાખ્યાયિત કરે છે. 78 ટકા નોન-એસી સીટો અને 70 ટકા નોન-એસી કોચ સાથે મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો સામાન્ય વર્ગના મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં 17000 નોન-એસી જનરલ/સ્લીપર કોચ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમૃત ભારત ટ્રેનોને જર્ક-ફ્રી કપ્લર્સ મળે છે અને ક્રેશ ટ્યુબની જોગવાઈ દ્વારા ક્રેશવર્ધીનેસમાં સુધારો થાય છે. અમૃત ભારત ટ્રેનો સીસીટીવી, એલઇડી લાઇટ્સ, ઇપી બ્રેક સિસ્ટમ, 11 જનરલ કોચ, 8 સ્લીપર કોચ અને દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ કમ્પાર્ટમેન્ટ સાથે સલામતી અને સુલભતામાં વધારો કરે છે.

ભારતીય રેલવેએ સંપૂર્ણપણે નોન-એસી અમૃત ભારત ટ્રેનો શરૂ કરી છે, જેમાં હાલમાં 11 જનરલ ક્લાસ કોચ, 8 સ્લીપર ક્લાસ કોચ, 1 પેન્ટ્રી કાર અને 02 સેકન્ડ ક્લાસ કમ લગેજ કમ ગાર્ડ વાન અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો નોન-એસી સેગમેન્ટના મુસાફરોને વિશ્વ કક્ષાની આધુનિક અને આરામદાયક રેલ મુસાફરીનો અનુભવ પ્રદાન કરીને સામાન્ય લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે.

આ પણ વાંચો…..બિહારમાં વધુ એક અમૃત ભારત ટ્રેનને મળશે ભેટ, જાણો વિશેષતા?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button