અમદાવાદમાં અનેકવિધ પ્રકલ્પોની ભેટ આપી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે

અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગોતા ખાતે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ, વસ્ત્રાપુર તળાવનો સમાવેશ થાય છે.
આ પ્રકલ્પોમાં દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા ૪૬૫ આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા ૧,૫૭૩ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂંક પામેલ ૧૦૨ સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
આ સાથે શાહે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને અર્પણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં ખેલો ઇન્ડિયા થકી આગળ વધી છે. જેના દ્વારા અનેક ખેલાડીઓ તેમના શરીર અને મનને મજબૂત કરી રહ્યા છે. જીતવાનું ઝનૂન અને હારમાં નિરાશ નહિ થવાના સંસ્કાર પણ ખેલકૂદથી મળી રહ્યા છે.
આ પણ વાંચો : બનાસ ડેરીની ₹400 થી ₹24,000 કરોડની યાત્રા: અમિત શાહે કહ્યું – ₹24 હજાર કરોડના ટર્નઓવરનો શ્રેય પશુપાલકોને
શાહે જણાવ્યું હતું કે વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ ૨૦૩૦ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી ૨૦૨૯માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ૨૦૩૬ ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે
૧૫૦૦ કરોડથી વધુ વિકાસના કામો માટે રાજ્યના મુખ્ય પ્રધાન સહિત સરકારનો આભાર માનતા શાહે જણાવ્યું હતું કે, આ કામો વિકાસના બજેટમાં ઉમેરાવાના છે, વિકાસનો કોઇ આયામ છુટી ન જાય તેની કાળજી રાખી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસયાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે.
આ પણ વાંચો : આજથી 3 દિવસ માટે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરમાં ધ અર્થ સમિટ 2025-26નું કર્યું ઉદ્ઘાટન
તેમણે અયોધ્યા રામ મંદિર નિર્માણ અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં ભૂમિપૂજન, ૨૦૨૪માં પ્રાણ પ્રતિષ્ઠા અને ૨૦૨૫માં ધ્વજ લહેરાવી ગૌરવપુર્ણ કાર્ય દેશના વડા પ્રધાનના નેતૃત્વમાં થયું છે, સાથે સીતા માતાનો જન્મ થયો તે સ્થળે પણ ભૂમિપૂજન કરી આ યાત્રાને આગળ ધપાવવાનું કામ થઇ રહ્યું છે
ગુજરાતના વિવિધ વિકાસ માઈલસ્ટોન વિશે વાત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં સાકાર થવા જઈ રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સીટી ધોલેરા ગુજરાતમાં નિર્માણ પામી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નઈ હાઇવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની સૌથી પહેલી ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ગુજરાતમાં નિર્માણ પામી છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવાની છે તથા પહેલી નમો રેપીડ રેલ ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ છે.
આ પણ વાંચો : અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ
કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર આવાસો વિશે જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શ્રી અમિતભાઈએ હંમેશા લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. તેમના સક્રિય પ્રયાસોના પરિણામે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હરિયાળો મતવિસ્તાર બન્યો છે. શહેરી વિસ્તાર જ ૮% જેટલું ગ્રીન કવર વધ્યું છે. મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવામાં આવ્યું છે.
કોમનવેલ્થ ગેમ્સના લીધે અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ બમણી થશે. આવનાર દિવસોમાં વિશ્વ કક્ષાના અનેક નવા પ્રકલ્પો સાકાર થશે અને અમદાવાદ દેશના સ્પોર્ટસ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થશે એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.



