કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમને પગલે નારણપુરામાં આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વિગત…

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે 18 મેના રોજ નારણપુરા વિસ્તારમાં નવા બનેલા પલ્લવ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે કેટલાક માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
કયો રસ્તો રહેશે બંધ?
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ બી.આર.ટી.એસ. સ્ટેશન 52 સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે આવતીકાલે બપોરે ૨:૦૦ વાગ્યાથી અમલમાં રહેશે.
આ છે વૈકલ્પિક માર્ગ
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે શાસ્ત્રીનગર ચાર રસ્તાથી કોનવાલે કટ તરફ વળી, ત્યાંથી ડાબી બાજુ ટેલીકોમ એક્સચેન્જ ચાર રસ્તા થઈ, પારસનગર ટી પાસેથી એ.ઇ.સી. બ્રિજ તરફના માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે લોકોને સહકાર આપવા અને સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.