અમિત શાહ ગુજરાત પ્રવાસે: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને ગરબા મહોત્સવમાં આપશે હાજરી | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમિત શાહ ગુજરાત પ્રવાસે: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને ગરબા મહોત્સવમાં આપશે હાજરી

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં સહભાગી થવાના છે. અમિત શાહ સુરત, રાજકોટ, અમદાવાદમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ અન્ય કાર્યક્રમમાં સહભાગી થવાના છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે. આ બે દિવસીય કાર્યક્રમમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 5000 ઇનોવેટર્સ, 100થી વધુ ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ, 50થી વધારે વેન્ચર ફંડ્સ અને દેશભરના અગ્રણી હિસ્સેદારો એક જ મંચ પર ભેગા થવાની સંભાવના છે. આ કોન્ક્લેવમાં પ્લેનરી સેશન્સ, ઇન્વેસ્ટર પિચિંગ રાઉન્ડ્સ, યુનિકોર્ન રાઉન્ડટેબલ કૉન્ફરન્સ તથા 20 થી વધુ રાજ્યોના 170 થી વધુ અગ્રણી સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન યોજાશે. તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, MeitY અને iDEX દ્વારા પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલની હાજરીમાં કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કોફી ટેબલ બુક, NEP-2020 ડેશબોર્ડ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કમ્પેન્ડિયમનું લોન્ચિંગ થશે. ઉપરાંતમાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્ય સરકાર અંતર્ગતની વિવિધ સંસ્થાઓ અને વિવિધ રોકાણકારો તથા નાણાકીય સંસ્થાઓ વચ્ચે સ્ટાર્ટ અપ તેમજ ઉદ્યોગસાહસિક્તા ને ઉત્તેજન મળે તેવા પ્રયાસો માટે MoU પર હસ્તાક્ષર અને લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (LoI) નું વિતરણ તેમજ વિવિધ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ ચેક પણ આપવામાં આવશે.

તે ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. જેમાં 22 તારીખે સુરતના વરાછા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં તેમજ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત દાતાશ્રીઓના સન્માન સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે બે વાગ્યે રાજકોટમાં આયોજિત રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ તેમજ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે. તે ઉપરાંત આરડીસી બેન્ક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી મહાસંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ રાત્રે અમદાવાદના જોધપુર તેમજ સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિતે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં ભાગ લેશે.

આ પણ વાંચો…અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button