શાહબુદ્દીન રાઠોડ અને હાજી રમકડાંનું નામ મતદાર યાદીમાંથી કાપવું એ ગુજરાતનું અપમાન: કોંગ્રેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર સાતનો મોટા પાયે દુરુપયોગ કરી લોકોનો મતાધિકાર છીનવવાનું સુનિયોજિત ષડયંત્ર રચાઈ રહ્યું છે.
તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ હાજી રમકડાં જેવા મહાનુભાવોના નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ ૭ ની કાર્યવાહી કરવી એ સમગ્ર ગુજરાતનું અપમાન છે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા નિશ્ચિત વર્ગો અને સમુદાયોને ટાર્ગેટ કરી મતદાર યાદીમાંથી નામ કાઢવાના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે. વધુમાં તેમણે માંગ કરી છે કે, પુરાવા વગર ખોટા ફોર્મ નં. ૭ ભરનારાઓ સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને મતદારોના નામ કમી કરવા માટે કોણે કોની સામે વાંધા લીધા છે તેની સંપૂર્ણ યાદી જાહેર કરવી જોઈએ.
અમિત ચાવડાએ ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, પંચ ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષા કરવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યું છે. લોકશાહીના પર્વમાં કોઈ પણ લાયક મતદારનું નામ ખોટી રીતે ન કપાય તે જોવાની જવાબદારી પંચની છે, પરંતુ હાલની સ્થિતિમાં સત્તાધારી પક્ષના ઈશારે મતદારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.



