જયપુર અગ્નિકાંડના સમાચાર વચ્ચે જ અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગતાં ભાગદોડ!

અમદાવાદ: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં આઠ જેટલા લોકો ભડથું થયા હોવાના સમાચારોની વચ્ચે જ અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગવાની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાંની સાથે જ ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લેતા દુર્ઘટના સર્જાતાં ટળી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના એલિસબ્રિજ નજીક આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ એટલે કે SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગવાની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગ અને હોસ્પિટલ તંત્રની તત્કાલ કાર્યવાહીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી.
આજે ૬ ઓક્ટોબરના રોજ સવારે ૯.૧૦ વાગ્યે એસવીપી (SVP) હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની જાણ થતાં જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. હોસ્પિટલ બિલ્ડિંગની બાજુના ભાગમાં આવેલા લોન્ડ્રી વિભાગમાં તપાસ કરતાં, આગ ઇલેક્ટ્રિક ડક્ટમાંથી લાગી હોવાનું જણાયું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇલેક્ટ્રિક ડક્ટમાંથી ધુમાડા અને આગ જોવા મળ્યા બાદ, હાલમાં ફાયર અને ઇલેક્ટ્રિક વિભાગની ટીમો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણાં મંત્રી નિર્મલાના કાર્યક્રમમાં ગેરહાજર, જાણો શું છે કારણ ?