અમેરિકાએ ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા; અત્યાર સુધી 78 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ

અમદાવાદ: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી. ગઇકાલે 112 ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર ખાતે પહોંચ્યું હતું. જેમાંના 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા છે.
78 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયોને લઈને ત્રીજું વિમાન ગઇકાલ રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું. ત્રીજા તબક્કામાં આવેલા ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ છે. જેમાંથી પ્રથમ ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા હતા. જ્યારે બીજી ફ્લાઈટમાં 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.
આ પણ વાંચો : VIDEO: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયોને લઈને વિમાન પહોંચ્યું ભારત; 33 ગુજરાતીઓનો સમાવેશ
ગઈકાલે ત્રીજું વિમાન પરત ફર્યું
અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની ત્રીજી બેચને લઈને ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તે વિમાનમાં અમેરિકાએ 112 ભારતીયોને પરત મોકલ્યા હતા. 112 ડિપોર્ટ કરાયેલા લોકોમાં 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે.