Top Newsઅમદાવાદ

અમદાવાદીઓ ટ્રાફિક દંડ ભરવામાં અવ્વલ: એક જ વર્ષમાં રૂ. 262 કરોડનો દંડ ફટકારાયો

અમદાવાદઃ શહેરીજનો ટ્રાફિકના નિયમોનો ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે. વર્ષ 2025માં દર બીજા અમદાવાદીએ ટ્રાફિક દંડ ભર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં કુલ 40.2 લાખ અમદાવાદીઓએ વિવધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ₹262.6 કરોડનો દંડ ચૂકવ્યો હતો. જેમાં સૌથી વધુ દંડ ₹134.4 કરોડ હેલ્મેટ વગર ચલાવવા બદલ વસૂલવામાં આવ્યો હતો. જે બાદ રોંગ સાઈડ ડ્રાઈવિંગ બદલ ₹36.3 કરોડ અને ગેરકાયદે પાર્કિંગનો ₹34.7 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સગીર વયના ડ્રાઈવિંગમાં મોટો ઉછાળો

વર્ષ 2025માં સગીર વયના બાળકો વાહન ચલાવતા પકડાયા હોય તેવા કુલ 5,835 કેસ નોંધાયા હતા, જેની સામે 2024માં માત્ર 11 કેસ હતા. આનો અર્થ એ થયો કે સરેરાશ દરરોજ 16 સગીર ડ્રાઈવરો પકડાયા હતા.

યુએન (UN) ના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા પ્રકાશિત ‘વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025’ મુજબ, અમદાવાદની વસ્તી અંદાજે 76 લાખ છે. આ ડેટા મુજબ શહેરનો દરેક ત્રીજો રહેવાસી હેલ્મેટ ન પહેરવા બદલ દંડાયો છે. ગુજરાત હાઈ કોર્ટની ફટકાર છતાં અમદાવાદીઓ હેલ્મેટના નિયમ પ્રત્યે ઉદાસીન જણાયા હતા, જેમાં 26.9 લાખ લોકોએ દંડ ભર્યો હતો.

નવા બ્રિજના ખર્ચ કરતાં પણ વધુ દંડ

ટ્રાફિક વિભાગના સત્તાવાર ડેટા મુજબ, વસૂલવામાં આવેલ ₹262.6 કરોડનો દંડ સાબરમતી નદી પર નવા સુભાષ બ્રિજના નિર્માણ માટે મંજૂર કરાયેલી રકમ કરતા પણ વધુ છે. ડેટા દર્શાવે છે કે સરેરાશ દરરોજ 11,010 લોકોએ દંડ ચૂકવ્યો હતો અને સરેરાશ પ્રતિ ચલાણ રકમ ₹653 હતી. હેલ્મેટના ચલાણમાં 166 ટકા નો મોટો વધારો જોવા મળ્યો છે.

લાયસન્સ વગર પકડાયેલા લોકોની સંખ્યા ઘટી

ઓવરલોડિંગની કેટેગરીમાં સૌથી વધુ 309 ટકા નો વધારો થયો હતો, આ માટે 2025માં 21,331 ચલણ આપવામાં આવ્યા હતા. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવિંગના 1.8 લાક કેસ નોંધાયા હતા, 2024ની તુલનાએ 2025માં 290 ટકાનો વધારો થયો હતો.સિગ્નલ જમ્પિંગ, લાયસન્સ વગર ડ્રાઈવિંગ અને પરમિટ વગરના વાહનોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. લાયસન્સ વગર પકડાયેલા લોકોની સંખ્યા 2024માં 32,209 થી ઘટીને 2025માં 27,576 થઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button