ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી...

ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી…

અમદાવાદ: વર્ષ 2025માં ગુજરાત રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર ઘટી રહી છે. અમદાવાદ શહેર પણ તેનાથી બાકાત નથી. 6 જૂન 2025ને શુક્રવારની વહેલી સવારે પણ આવી જ એક ઘટના ઘટી હતી. શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલા હેવમોર ડિસ્ટ્રીબ્યુશન સેંટરની વાનમાં આગ લાગી હતી. જેથી પાસેના મકાનના રહીશોમાં અફરાતફરી સર્જાઈ હતી.

ચાર્જીંગ ઓવરલોડિંગના કારણે લાગી આગ
શુક્રવારની વહેલી સવારે 6.12 વાગ્યાની આસપાસ સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલ હેવમોર ડિસ્ટ્રીબ્યુશન સેંટરની બેટરી દ્વારા ચાલતી આઈસ્ક્રીમની વાનમાં ચાર્જીંગ દરમિયાન ઓવરલોડિંગના કારણે આગ લાગી હતી. જેથી વાન બળીને રાખ થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ ભભૂકીને તેની પાસેના બે માળના મકાન સુધી પહોંચી હતી. જેથી રહીશો ગભરાયા હતા.

જીવ બચાવવા બે જણે પહેલા માળેથી કૂદકો માર્યો
બે માળના મકાનમાં પાંચ લોકો ફસાયેલા હતા. પાંચ પૈકીના બે જણે જીવ બચાવવા પહેલા માળેથી કૂદકો માર્યો હતો. કૂદકો મારનાર બે પૈકી એકને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બાકીના ત્રણ લોકો બાલ્કનીમાંથી પાસેની અગાસી પર ચઢીને સલામત રીતે નીચે ઉતરી ગયા હતા.

રહેણાંક વિસ્તારમાં આગની ઘટના
ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ આ ઘટના બની તે રહેણાંક વિસ્તાર છે. એક મકાનને આઈસ્ક્રીમ કંપનની ડિસ્ટ્રીબ્યુશન સેંટર તરીકે ભાડે આપવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા પણ જીવરાજ પાર્ક વિસ્તારની એક સોસાયટીના મકાનમાં આગ લાગી હતી. તે મકાનનો ઉપયોગ એસીના ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો.

આપણ વાંચો : અમદાવાદ, ગાંધીનગરમાં મેટ્રોના કોપર કેબલ ચોરનારી ગેંગ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી

Back to top button