AMCનો રૂ.68 કરોડનો સોદો ‘અશાંત ધારા’માં અટવાયો! સરકારી હરાજી છતાં કલેક્ટરની મંજૂરી ફરજિયાત!

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ વેચાણ માટે રાખવામાં આવેલા પ્લોટ્સની હરાજીમાં એક નવો વળાંક આવ્યો છે. શહેરના મકરબા વિસ્તારમાં AMC દ્વારા ગત વર્ષે રૂ. 68 કરોડમાં વેચાયેલા એક પ્લોટના વેચાણ દસ્તાવેજ મામલે કલેક્ટર કચેરીએ મહત્વનો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર, જો પ્લોટ ‘અશાંત ધારા’ હેઠળ આવતા વિસ્તારમાં હોય, તો સરકારી સંસ્થા દ્વારા ઓનલાઈન હરાજીથી વેચાયો હોવા છતાં, આ કાયદા હેઠળની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે.
જૂન 2024માં યોજાયેલી ઓનલાઈન હરાજી દરમિયાન મકરબાના આ પ્લોટ માટે ભારે રસાકસી જોવા મળી હતી. આશરે 3,740 ચોરસ મીટરના આ પ્લોટ માટે 18થી વધુ બિડરોએ રસ દાખવ્યો હતો. ₹80,000ની બેઝ પ્રાઈસ સામે આ પ્લોટ ₹1.83 લાખ પ્રતિ ચોરસ મીટરના ભાવે વેચાયો હતો, જેનાથી કોર્પોરેશનને ₹38.52 કરોડનો વધારાનો નફો થયો હતો. જોકે, હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના એક વર્ષ બાદ પણ પરવાનગીના અભાવે દસ્તાવેજની કામગીરી અટકી પડી છે.
AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લોટના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સબ-રજિસ્ટ્રાર દ્વારા અશાંત ધારા હેઠળની મંજૂરીની માંગ કરવામાં આવી હતી. આ જટિલતાને ઉકેલવા માટે હવે કલેક્ટર કચેરીમાં જરૂરી પરવાનગી માટે અરજી કરવામાં આવી છે. કલેક્ટર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ ફાઈનલ થઈ શકશે. ત્યાં સુધી આ કરોડો રૂપિયાનો સોદો સરકારી પ્રક્રિયામાં અટવાયેલો રહેશે.
બીજી તરફ, આ મામલે વહીવટી તર્કમાં વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે. નિવૃત્ત અધિકારીઓના મતે, અશાંત ધારાનો મુખ્ય હેતુ મિલકતની ખરીદ-વેચાણમાં ધાક-ધમકી કે દબાણને રોકવાનો છે. જ્યારે અહીં વેચનાર પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સરકારી સંસ્થા છે અને વેચાણ પારદર્શક ઓનલાઈન હરાજી દ્વારા થયું છે, ત્યારે આવી મંજૂરીની જરૂરિયાત સામે સવાલો ઉઠી રહ્યા છે. તેમ છતાં, નિયમ મુજબ અત્યારે તો કલેક્ટરની મંજૂરી ફરજિયાત બની ગઈ છે.
આપણ વાંચો: ઈન્જેક્શન મારો અને iPhone ગાયબ! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાર્સલ ચોરોની ‘હાઈટેક’ ગેંગનો કર્યો પર્દાફાશ



