AMC પાણીપુરીના માટલામાં નાખશે ક્લોરિન ટેબ્લેટ, જાણો શું છે કારણ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. જે મુજબ પાણીપુરીના માટલામાં ક્લોરિન ટેબલેટ નાંખવામાં આવશે. શહેરમાં ફેલાતા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદમાં આ ડ્રાઇવ શરૂ કરાશે.
મળતી વિગત પ્રમાણે, એએમસીની હેલ્થ ટીમ પૂર્વ અમદાવાદમાં 26 સ્થળોએ પાણીપુરી વિક્રેતાને ત્યાં માટલામાં ક્લોરિન ટેબ્લેટ નાંખશે. બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ન્યૂ મણીનગર, ખોખરા વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા ત્રણ વર્ષના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો હોવાનું સામે આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, ક્લોરિન ટેબ્લેટનું માત્ર પાણીપુરી વિક્રેતાઓને જ નહીં પરંતુ કરિયાણાની દુકાનો, ઉપરાંત હાઇ રિસ્ક ધરાવતાં વિસ્તારો માં પણ વિતરણ કરાશે.
સૂત્રોએ જણાવ્યું કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ખાસ કરીને ઝાડ, ટાયફોડ, ઉલટી, કોલેરા જેવા કેસ ઘટ્યા હતા, જ્યારે પૂર્વ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં આવા કેસ વધ્યા હતા. જે બાદ એક સર્વે કરવામાં આવ્યો હતો અને કેટલાક સ્પોટ શોધવામાં આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાશે.
વર્ષ 2023માં ક્લોરિનના 1,75,359 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4236 નિષ્ફળ ગયા હતા. જ્યારે 2024માં 4,07,538 સેમ્પલમાંથી 5779 સેમ્પલ અને 2025માં 5,22,431 સેમ્પલમાંથી 751 સેમ્પલ નિષ્ફળ ગયા હતા.



