અમદાવાદ

અમદાવાદમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ૩ PGને AMCએ કર્યા સીલ, જાણો શું છે નિયમો

અમદાવાદ: શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી વગર ચાલતા પેઈંગ ગેસ્ટ (PG) સામે લાલ આંખ કરી છે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા મેમનગર વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા ત્રણ પેઈંગ ગેસ્ટ (PG) મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે. ગુરુકુળ રોડ પાસે આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં વગર મંજૂરીએ પીજી ચલાવવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

AMCના નિયમો મુજબ, કોઈપણ સોસાયટી કે ફ્લેટમાં પીજી અથવા હોસ્ટેલ શરૂ કરવા માટે ફરજિયાતપણે પોલીસ વેરિફિકેશન, ફાયર સેફ્ટીનું NOC અને જે-તે સોસાયટીનું NOC મેળવવું ફરજિયાત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેમનગરના આ પીજી સંચાલકોને અગાઉ બે વખત નોટિસ આપીને પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. અંતિમ ત્રણ દિવસની નોટિસ છતાં કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ ન મળતા એસ્ટેટ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીજી-હોસ્ટેલ નીતિ મુજબ, નિયમભંગ કરનારાઓને પ્રથમ ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે, ત્યારબાદ ૩ દિવસની ફાઈનલ નોટિસ આપીને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં હાલ ૨૫૦થી વધુ પીજી હોસ્ટેલ કાર્યરત છે, જેમાંથી લગભગ ૨૦૦ જેટલા માત્ર પશ્ચિમ ઝોનમાં આવેલા છે. તંત્રને શંકા છે કે આમાંથી મોટાભાગના પીજી પોલીસ વેરિફિકેશન કે સોસાયટીની મંજૂરી વગર જ ચાલી રહ્યા છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં શરૂ થયેલી આ ઝુંબેશને કારણે અન્ય પીજી સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તપાસ તેજ કરવામાં આવશે અને જે પીજી સંચાલકો પાસે ફાયર સેફ્ટી કે પોલીસ વેરિફિકેશનના દસ્તાવેજો નહીં હોય, તેમની સામે પણ સીલિંગ સહિતના કડક પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર, 2025માં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પેઇંગ ગેસ્ટ સુવિધાના નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્પષ્ટ નિયમો હોવા છતાં, ઉલ્લંઘનના કિસ્સામાં એએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે તેમણે પોતાની સોસાયટીમાં ગેરકાયદેસર પીજી સંચાલન અંગે અનેક ફરિયાદો કરી હતી, પરંતુ એએમસી યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે પાર્કિંગ સુવિધા વિના ચાલતા પીજી ઓપરેટરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેના પર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નિયમોનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button