અમદાવાદ AMCમાં વધુ એક ભરતી કૌભાંડ: હેડ ક્લાર્કે 8 ઉમેદવારના માર્કસ વધારી નોકરી અપાવી, તમામને સસ્પેન્ડ કરાયા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ભરતી કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ કૌભાંડમાં પકડાયેલા આરોપી અને એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ વધુ 8 ઉમેદવારના માર્કસ વધારીને તેમને નોકરી અપાવી હતી. આ મામલો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે આ તમામ 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા.
પુલકિત સથવારાએ મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. તેણે 8 ઉમેદવારોના માર્કસ વધારી દીધા હતા, જેના કારણે તેઓ મેરિટ લિસ્ટમાં આવી ગયા અને નોકરી પણ મેળવી લીધી હતી. આ કૌભાંડમાં સામેલ થયેલા આ 8 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
પહેલાં પણ એન્જિનિયર વિભાગની ભરતીમાં ગેરરીતિ સામે આવ્યા બાદ, એએમસીના કમિશનરે 2021થી 2025 સુધીની તમામ ભરતીઓની તપાસ માટે પાંચ અધિકારીઓની એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પાછલા પાંચ વર્ષમાં થયેલી 37થી વધુ જગ્યાની ભરતીની તપાસ કરી હતી.
આ તપાસમાં સામે આવ્યું કે પુલકિત સથવારા સાથે મળીને 8 ઉમેદવારે ખોટી રીતે નોકરી મેળવી હતી. આ 8 કર્મચારીઓ સબ-ઈન્સ્પેક્ટર, સહાયક સર્વેયર, સહાયક સેનેટરી સબ-ઈન્સ્પેક્ટર, ફીમેલ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટના પદ પર કામ કરી રહ્યા હતા. એએમસી દ્વારા હવે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે