AMCને 2026-27ના બજેટ માટે નાગરિકો તરફથી કેટલા સૂચન મળ્યા? જાણો વિગત

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા હતા. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત નાગરિકો તરફથી 2,607 સૂચનો પ્રાપ્ત મળ્યા હતા.
આ પૈકી, 1,795 સૂચનો આવશ્યક અથવા ફરજિયાત સેવાઓ સંબંધિત હતા, જ્યારે 788 સૂચનો બિન-ફરજિયાત સેવાઓને લગતા હતા. અન્ય 16 સૂચનો આવક અથવા મહેસૂલ પેદા કરવા પર કેન્દ્રિત હતા, અને 8 સૂચનો સેવાની ગુણવત્તા સુધારવા વિશે હતા. ફરજિયાત સેવાઓ હેઠળ, દૈનિક જીવનને અસર કરતા મુદ્દાઓ પર સૌથી વધુ પ્રતિભાવો આવ્યા હતા. જેમાં રોડ અને ફૂટપાથ વિશે 487 સૂચનો, ડ્રેનેજ અને સ્ટોર્મવોટર સિસ્ટમ વિશે 327 સૂચનો, પાણી પુરવઠા વિશે 297 સૂચનો તથા સ્ટ્રીટ લાઇટિંગ વિશે 280 સૂચનો મળ્યા હતા.
આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં ઘન કચરા વ્યવસ્થાપન પર 110 સૂચનો, ટ્રાફિક અને હાઉસિંગને 98 સૂચનો મળ્યા હતા. બિન-ફરજિયાત સેવાઓમાં, નાગરિકોએ મુખ્યત્વે સૌંદર્યીકરણ અને જાહેર સુવિધાઓ પર ભાર મૂક્યો હતો. જેમાં એએમસીને આ અંગે નીચે મુજબ સૂચનો મળ્યા હતા. બગીચાઓ, પાર્ક અને ICDS પ્રોજેક્ટ્સ માટે દરેક 133 સૂચનો, જાહેર પરિવહન માટે 80 સૂચનો, જીમ અને રમતગમતના મેદાનો માટે 75 સૂચનો, પાર્કિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ માટે 64 સૂચનો મળ્યા હતા.
AMC એ જણાવ્યું છે કે 2026-27નું બજેટ તૈયાર કરતી વખતે તમામ સૂચનોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને તેને ધ્યાનમાં લેવામાં આવશે. રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી એક મહિનો વહેલું બજેટ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો…AMCના સ્મશાનગૃહમાં અંતિમ વિધિ હવે ટાયરોના સહારે? ભ્રષ્ટાચારે માઝા મૂકી



