અમદાવાદના આ વિસ્તારમાં ગેરકાયદે કાર પાર્ક કરી તો થશે રૂ. 3000નો દંડ…

અમદાવાદઃ શહેરોમાં ખાનગી વાહનોની સંખ્યા આડેધડ વધી રહી છે, પરંતુ તેટલા પ્રમાણમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી ગમે ત્યાં પાર્કિગ થાય છે. આવા ગેરકાયદે પાર્કિંગને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક નવી નીતિ લાવી રહી છે, જેની શરૂઆત અમદાવાદના અતિ પૉશ માનવામાં આવતા સિંધુભવનથી કરવાની તૈયારી મનપા કરી રહી છે. મનપાના પાર્કિંગ મેનેજમેન્ટના ભાગરૂપે નિયમોને કડક બનાવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાયલોટ પહેલ તરીકે, સિંધુ ભવન રોડને નૉ-ટોલરન્સ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવશે. અહીં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓને ખૂબ મોટી રકમ દંડપેટે ભરવી પડશે. રકમની વાત કરીએ તો પીક અવર્સ દરમિયાન ટુ-વ્હીલર માટે રૂ. 1,500 અને નૉન-પીક અવર્સ દરમિયાન રૂ. 1,000નો સમાવેશ થાય છે, જ્યારે ફોર-વ્હીલરને પીક સમયે રૂ. 3,000 અને ઓફ-પીક સમયગાળામાં રૂ. 2,000નો દંડ થઈ શકે છે.
અહીં પાર્કિંગ ચાર્જ પણ જરૂર પ્રમાણે અને માગ પ્રમાણે લેવામાં આવશે. ટુ-વ્હીલર માટે રૂ. 30 થી રૂ. 60 અને ફોર-વ્હીલર માટે રૂ. 50 થી રૂ. 100 સુધીનો હશે, જેમાં ડ્રાઇવરો માટે મલ્ટી-લેવલ પાર્કિંગ સુવિધાઓ અથવા મનપા દ્વારા ઓળખાયેલી અન્ય ઓન-સ્ટ્રીટ જગ્યાઓનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
એક અહેવાલ પ્રમાણે પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ આવો જ દંડ રાજપથ રંગોલી રોડ અને બોપલ-આંબલી રોડ સુધીના વિસ્તારોમાં પણ લાગુ થઈ શકે છે. હાલમાં પાર્કિંગની સુવિધાઓ વિકસાવવા માટે સિંધુભવન આસપાસની કર્મશિયલ ઈમારતોનો સર્વે થઈ રહ્યો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદની પાર્કિંગ નીતિને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માં મંજૂરી આપી હતી, અને શહેરના પાર્કિંગ અંગેના કાયદાઓનો ડ્રાફ્ટ 2023 માં તૈયાર કરવામાં આવ્યા હતો.



