અમદાવાદમાં પ્લોટ પર બંધાયેલી ઓફિસ RSSને માત્ર 1 રૂપિયાના ભાડે આપી દેવાઈ, નિયમોની ઐસીતૈસી કરાઈ

અમદાવાદઃ શહેરમાં પ્લોટ પર બંધાયેલી ઓફિસને નિયમોની ઐસીતૈસી કરીને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ને માત્ર 1 રૂપિયાના ભાડે આપી દેવાઈ હતી. મળતી વિગત પ્રમાણે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મલળી હતી. જેમાં આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થાને જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રોના સંચાલન માટે મધ્યસ્થ કાર્યાલય માટે બાંધેલી ઓફિસની જગ્યા 99 વર્ષની લીઝ પેટે આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ હવે આ દરખાસ્ત આગળની કાર્યવાહી માટે AMCના એસ્ટેટ વિભાગને મોકલવામાં આવશે.
સૂત્રો મુજબ સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યોના સમર્થન સાથે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની ‘ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ’ દ્વારા પ્રેરિત જ્ઞાન મંદિર પ્રોજેક્ટના ઉદ્દેશ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરખાસ્ત મુજબ, આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આશરે 96 સ્થળોએ દરરોજ બે કલાક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો (ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ અને શાળાએ ન જતા બાળકો) ને મફત શિક્ષણ અને સંસ્કાર સિંચન પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે.
પશ્ચિમ ઝોનમાં આવા 141 કેન્દ્રો સ્થાપવાના લાંબાગાળાના ધ્યેય માટે સેન્ટ્રલ ઓફિસની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. આથી, ટીપી સ્કીમ નં. 29 (ગોટા-ચાંદલોડિયા-સોલા), ફાઈનલ પ્લોટ નં. 97/1 પર આવેલી ઓફિસ સ્પેસને વાર્ષિક ₹1 ના ટોકન ભાડે 99 વર્ષ માટે લીઝ પર આપવાની મંજૂરી અપાઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ‘લેન્ડ ડિસ્પોઝલ પોલિસી’ હેઠળ કોઈપણ સંસ્થા, કંપની કે વ્યક્તિને ₹1 ના ટોકન ભાડે પ્લોટ ફાળવી શકાતો નથી, તેમજ હરાજી વગર 99 વર્ષ માટે લીઝ પર આપી શકાતો નથી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ હવે આ પ્લોટ અથવા હાલના બાંધકામનું મૂલ્યાંકન કરવામાં આવશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.



