હવે અમદાવાદમાં રસ્તા પર ટ્રાફિક નહીં, બગીચાનો અહેસાસ થશે! જાણો AMC નો માસ્ટરપ્લાન…

અમદાવાદ: ટ્રાફિક, વધી રહેલો AQI જેવી ઘણી સમસ્યાઓ એક અમદાવાદી તરીકે ખૂબ સામાન્ય છે, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પર્યાવરણ અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.5 કિલોમીટરના પટ્ટાને હવે ‘અર્બન લંગ્સ રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આ રોડ માત્ર વાહનોની અવરજવર માટે જ નહીં, પરંતુ શહેર માટે ‘ફેફસાં’ સમાન બનીને હવાની ગુણવત્તા સુધારવામાં અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. વળી આ રોડની થીમ ગાર્ડન પર આધારિત હોવાથી શહેરીજનો માટે એક જુદો જ અનુભવ સાબિત થશે.
આ પ્રોજેક્ટની ખાસિયત તેની વિશાળતા અને હરિયાળી છે. આ રોડની પહોળાઈ 90 મીટરથી 108 મીટર જેટલી હશે, જેમાં મધ્યમાં 4 મીટર પહોળો ડિવાઈડર હશે. આ ડિવાઈડર પર આકર્ષક શિલ્પો અને વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણનું જતન કરવા માટે રસ્તા પરના અંદાજે 1,200 જૂના વૃક્ષોને સુરક્ષિત રાખવામાં આવશે, જ્યારે વધારાના 81,500 ચોરસ મીટર વિસ્તારમાં નવા છોડ અને વૃક્ષો વાવીને ભવ્ય લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રસ્તાની બંને બાજુ ગ્રીન બફર ઝોન બનાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત કઇ કઇ સુવિધાઓ હશે?
અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો 3.5 મીટર પહોળો જોગિંગ ટ્રેક અને બંને બાજુ 2.1 મીટરનો સ્પેશિયલ સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવશે. આ ઉપરાંત લોકોના મનોરંજન માટે બેઠક વ્યવસ્થા, ફૂડ કિઓસ્ક, પ્લાઝા અને રિક્રિએશનલ ઝોન પણ હશે. ટ્રાફિકના ભારણને ઓછું કરવા માટે 7 મીટર પહોળા સર્વિસ રોડ અને રાહદારીઓ માટે 2 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. દિવ્યાંગો માટે પણ વિશેષ સુવિધાઓ અને આધુનિક સ્ટ્રીટ લાઈટિંગ આ પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે ઝીરો-પોલ્યુશન અને ઝીરો-ટ્રાફિક કન્સેપ્ટ પર આધારિત આ ગ્રીન કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે. આધુનિક જિયોમેટ્રિક ડિઝાઇન સાથે તૈયાર થનારો આ રોડ આગામી દિવસોમાં અમદાવાદની સુંદરતામાં વધારો કરશે. આ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ અમદાવાદીઓને પ્રદૂષણ મુક્ત મુસાફરી અને હરિયાળા વાતાવરણની ભેટ મળશે.



