
અમદાવાદઃ શહેરમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાની એઆઈ-171 ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરી મિનિટમાં જ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં પાયલટ, કેબિન ક્રૂ અને મુસાફરો સહિત 241 લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં કુલ 270 જેટલા લોકોના મોત થયા હતા. સરકાર દ્વારા 260થી વધુ મૃતકના ડીએનએ મેચ કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે.
અકસ્માત પછી સેફ્ટી ઓડિટનો આપ્યો હતો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટેક ઓફ અને લેન્ડિંગ કોરિડોરમાંથી 1013 વૃક્ષનું ટ્રિમિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિમાન ક્રેશ થયા બાદ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક સેફ્ટી ઓડિટ કર્યું હતું. જેમાં ફ્લાઇટને અવરોધતા તમામ પરિબળોનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ટેક-ઓફ/લેન્ડિંગ ફનલ વિસ્તારના વૃક્ષોની યાદી તૈયાર
સૂત્રોએ જણાવ્યું કે, એરપોર્ટ મેનેજમેન્ટે અમને અનેક સ્થળોએ વૃક્ષો કાપવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો હતો. અમને એરપોર્ટના ટેક-ઓફ અને લેન્ડિંગ ફનલ વિસ્તારોમાં આવેલા વૃક્ષોની યાદી મળી છે. તમામ 1013 વૃક્ષને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરીને તેમની ઊંચાઈ ઘટાડી શકાય તે રીતે કાપવામાં આવશે.
ડીજીસીઆઈની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી
અકસ્માત પછી શરૂ કરાયેલા વ્યાપક સુરક્ષા પગલાંનો ભાગરુપ આ ટ્રિમિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત એજન્સીઓએ એરપોર્ટ પરિમિતિની આસપાસની ઇમારતોની ઊંચાઈના સર્વેક્ષણ એક સાથે શરૂ કર્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે એર ઈન્ડિયા પ્લેન (એઆઈ-171)ના અકસ્માત બાદ તરત જ જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓ દ્વારા સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટની આસપાસના વિસ્તારોનો સર્વે કરવામાં આવશે.
ઈમારતોની એનઓસી પણ ચેક કરાશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નિયુક્ત ફનલ ઝોનમાં આવેલી તમામ ઇમારતો માટે ઊંચાઈની ચકાસણી ફરજિયાત કરી છે, જેમાં હાલના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ (NoC)ને ક્રોસ-રેફરન્સ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે નિર્ધારિત ઊંચાઈથી વધુની ઇમારતો સામે કાર્યવાહી થઈ શકે છે. જેમાં ઉલ્લંઘન કરનારાઓની અલગ યાદીઓ અમલવારીના પગલાં માટે તૈયાર કરવામાં આવશે.સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વૃક્ષની ટ્રિમિંગ પ્રક્રિયામાં સાયન્ટિફિક ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. દરમિયાન ઇમારતોની ઊંચાઈનો સર્વે વિવધ ઝોનમાં ચાલુ છે, જેના પ્રારંભિક તારણો થોડા અઠવાડિયામાં આવવાની શક્યતા છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આવી મોટી અપડેટ! તપાસ દરમિયાન મળ્યાં આવા સંકેત