અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાબાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી કરી છે. આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે.
આ પણ વાંચો: Gujarat માં પલટાશે વાતાવરણ, ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 27 ની આસપાસ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. માવઠાને કારણે શિયાળુ પાક અને લીલા શાક્ભાજીની ખેતીમાં વિવિધ રોગ આવે તેવી શક્યતાઓ વધી જશે. જેના કારણે ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું જોઈએ. માવઠાથી રિંગણ સહિતના શિયાળુ પાકનો સોથ વાળી જશે. તેમજ ઈયળોનો ઉપદ્રવ થશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે..સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 26-28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
27 ડિસેમ્બરના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે. ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેથી ઉત્તર ભારતથી બર્ફિલા પવન ગુજરાત સુધી આવી રહ્યા છે. બીજી તરફ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આવતા ભેજ અને વરસાદની સંભાવના છે. 28 ડિસેમ્બર બાદ ફરી એક વખત ઠંડીનું મોજુ ગુજરાતમાં ફરી વળશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી.
આ પણ વાંચો: ઓડિશા કમોસમી વરસાદઃ સરકારે પાકને થયેલા નુકસાન અંગે કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ
બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.