અમદાવાદ

એકસમયે વિવાદનું કેન્દ્ર બનેલા અંબાજીના પ્રસાદ મોહનથાળને ટૂંક સમયમાં મળશે GI ટેગની માન્યતા

અંબાજીઃ ગુજરાતનાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીનો પ્રસાદ મોહનથાળ એકસમયે વિવાદનું કેન્દ્ર બનેલો, જ્યારે હવે એ જ ‘મોહનથાળ’ને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળવવા જઈ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત માં અંબાના ધામમાં અપાતો આ પ્રસાદ માત્ર એક મિઠાઈ નથી, પરંતુ શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધા અને વર્ષો જૂની પરંપરાનું પ્રતીક છે. ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવેલી અરજી હાલ તપાસ હેઠળ છે અને આગામી ૩ થી ૫ મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.

અંબાજીનો મોહનથાળ તેની વિશિષ્ટ બનાવટ, દાણાદાર સ્વરુપ અને શુદ્ધતા માટે જાણીતો છે. મંદિરના રસોડામાં અત્યંત ચોકસાઈ સાથે તૈયાર થતા આ મોહનથાળમાં શુદ્ધ ગાયનું ઘી, ચણાનો લોટ (બેસન), ખાંડની ચાસણી, દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રસાદની ખાસિયત તેનો સરસવ જેવો પીળો રંગ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી મીઠાશ છે. આ પ્રકારનો સ્વાદ અને ગુણવત્તા મંદિરના પવિત્ર રસોડા સિવાય અન્ય ક્યાંય પણ મેળવવી અશક્ય છે.

ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો, સ્કંદ પુરાણ અને દેવી ભાગવત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ ઘી અને ચણાના લોટનું મિશ્રણનો ઉલ્લેખ મળે છે, જેને આ મોહનથાળનો શાસ્ત્રોક્ત આધાર માનવામાં આવે છે. આ મોહનથાળ માતાજીને ‘રાજ ભોગ’ તરીકે ધરવામાં આવે છે. ૧૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ જીઆઈ રજિસ્ટ્રીમાં આ માટે અરજી કરવામાં આવી હતી, જેનો એપ્લિકેશન નંબર ૧૨૨૮ છે. હાલમાં અમદાવાદ ખાતે આ અંગેની કન્સલ્ટેટિવ ગ્રુપ મીટિંગ પણ યોજાઈ ગઈ છે.

GI ટેગ મળવાથી અંબાજીના મોહનથાળની આગવી ઓળખ સુરક્ષિત થશે અને કાયદાકીય રક્ષણ મળશે. તેનાથી કોઈ પણ અનાધિકૃત વિક્રેતા ‘અંબાજી મોહનથાળ’ના નામે નકલી કે હલકી ગુણવત્તાની મિઠાઈ વેચી શકશે નહીં.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button