અમદાવાદમાં તમામ ઓટો, ટેક્સી ચાલકોને ડ્રાયવર સીટ પાછળ હેલ્પલાઈન વિગતો લખવા આદેશ

અમદાવાદઃ શહેરમાં 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી દરેક ઓટો અને ટેક્સી ચાલકોએ ડ્રાયવર સીટની પાછળ વાહન નંબર, માલિકનું નામ, પોલીસ અને મહિલા હેલ્પ લાઇન નંબરો – 100, 112,181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 મુસાફરો જોઇ શકે તે રીતે લગાવવાના રહશે. ઘણા વાહનો હજુ આ નિયમનું પાલન કરી રહ્યા નથી.
અમદાવાદ ગ્રામ્ય બાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે શહેરમાં આ નિયમનું કડક પાલન કરાવવા આદેશ આપ્યો છે. નિયમનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. નોટિફિકેશન મુજબ, 10 બાય 12 ઈંચના બોક્સમાં 50ની ફોન્ટ સાઇઝમાં આ વિગતો લખવી પડશે. ઉપરાંત તે વાંચી શકાય તેવું હોવું જોઈએ.
પોલીસના જણાવ્યા પ્રમાણે, છેડતી, ચોરી અને ભાડાની ગાડીઓમાં થતી હેરાનગતિ જેવા ગુનાઓમાં વધારો થયો છે. હજારો લોકો મોડી રાત્રે ગરબા માટે બહાર નીકળતા હોવાથી પોલીસ ત્યાં જવાબદારી નિશ્ચિત થાય તેની ખાતરી કરવા માંગે છે.
આપણ વાંચો: દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે