
અમદાવાદઃ 60 વર્ષની ઉંમરે લોકો પ્રભુ ભજન કરતા હોય છે ત્યારે અમદાવાદના એક દાદીએ અનોખી સિદ્ધી મેળવી હતી. 63 વર્ષના અલકા વ્યાસે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચીને કમાલ કરી હતી. અમદાવાદના આ સાહસિક મહિલાની માઉન્ટ એવરેસ્ટના બેઝ કમ્પ સુધી કઈ રીતે પહોંચ્યા એની જર્ની પણ રસપ્રદ રહી છે તો જાણીએ.
અલકા વ્યાસ અમદાવાદના ઈસનપુરમાં રહે છે અને ઓએનજીસીમાંથી નિવૃત્ત થયા છે. તેમણે જણાવ્યું કે 30 વર્ષ પહેલા નેપાળ યાત્રા દરમિયાન હોટેલના રૂમમાંથી માઉન્ટ એવરેસ્ટ જોયો હતો અને ત્યારથી આ સપનું હતું. જેને તેમણે 11 મેના રોજ સાકાર કર્યું હતું. ખાસ વાત એ છ કે 11 મેના રોજ તેમની એનિવર્સરી હતી અને આ દિવસે તેમની પુત્રીએ વેપાર પર શરૂ કર્યો હતો.
તેમની સાથે અન્ય ચાર ગુજરાતી મહિલાઓ પણ હતી, જેમાં સુરતની કનક પટેલ, વડોદરાની ગીતા માંડલિયા, ભાવનગરની શીલા રાજ્યગુરુ અને જામનગરની દિપાલી જોશી હતી. તમામે 5,364 મીટર ઊંચાઈ પર આવેલા બેઝકેમ્પ સુધી પહોંચ્યા હતા. આ સફળતાએ પહોંચવા માટે ફક્ત શારીરિક મહેનત જ નહીં, પરંતુ આત્મવિશ્વાસને કારણે શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.
અલકા વ્યાસના કહેવા મુજબ તેમણે આ માટે પહેલાથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રાણાયામ, વ્યાયામ અને ખાનપાન પર ખાસ ધ્યાન આપ્યું હતું. રોજ 7 કલાકની ટ્રેનિંગ લેતા હતા. વિદેશી ટ્રેકર્સ પણ તેમને જોઈ ઉત્સાહિત થયા હતા અને ભારતીય ગીતો સાથે સેલ્ફી લેતા હતા. અલકા અત્યાર સુધીમાં પાંચ વખત કૈલાશ યાત્રા અને બે વખત કૈલાશ માનસરોવર યાત્રા કરી ચુક્યા છે. તેમનું આગામી સપનું માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું છે.