અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી ‘મોંઘી’: દેશમાં ત્રીજા નંબરનો સૌથી વધુ UDF ચાર્જ!

એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરો માટે ટિકિટદીઠ રૂ. 600 UDF, બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ કરતાં વધુ ચાર્જ!

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી હવે દેશના અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મોંઘી સાબિત થઈ રહી છે. અહેવાલો અનુસાર અમદાવાદ એરપોર્ટ દેશમાં સૌથી વધુ યુડીએફ (યુઝર ડેવલપમેન્ટ ફી) વસૂલતા એરપોર્ટની યાદીમાં ત્રીજા સ્થાને છે.

અમદાવાદથી પ્રસ્થાન કરતા દરેક ડોમેસ્ટિક મુસાફરે ટિકિટદીઠ રૂ. 600 યુડીએફ ચૂકવવી પડે છે, જે બેંગલુરુના રૂ. 550 કરતા પણ વધુ છે. હૈદરાબાદ રૂ. 750 સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે દિલ્હી (રૂ. 129) અને મુંબઈ (રૂ. 175) જેવા મોટા હબમાં આ ચાર્જ ઘણો ઓછો હોવાથી ત્યાં એરલાઇન્સને ભાડામાં રાહત મળી રહે છે.

વધતા એરપોર્ટ ચાર્જની સાથે મુસાફરો પર બીજી તરફ બેવડો માર પડી રહ્યો છે. અમદાવાદથી સૌથી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરતી એરલાઇન ઈન્ડિગોએ તાજેતરમાં તેની ક્ષમતામાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. ડીજીસીએના નિર્દેશો અને અન્ય ટેકનિકલ કારણોસર સીટોની સંખ્યા ઘટતા ભાડામાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
નિષ્ણાતોના મતે જ્યારે સીટો ઓછી હોય ત્યારે એરલાઇન્સ એરપોર્ટ ચાર્જ જેવા વધારાના ખર્ચનો બોજ મુસાફરો પર જ નાખતી હોય છે, જેના કારણે સસ્તી ટિકિટ મળવાની શક્યતા નહિવત બની જાય છે.

આમ ફ્યુઅલ સરચાર્જ અને ડાયનેમિક પ્રાઈસિંગ પહેલા જ અમદાવાદ એરપોર્ટનો હાઈ યુઝર ચાર્જના ભાવ નક્કી કરવામાં મહત્વનું પરિબળ બની રહ્યો છે. આગામી સમયમાં જો મુસાફરોની સંખ્યા વધશે અને સ્પર્ધા ઘટશે તો અમદાવાદીઓએ હવાઈ મુસાફરી માટે હજુ પણ વધુ ખિસ્સા હળવા કરવા પડશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ ઉપરાંત સ્થાનિક ટ્રાવેલ એજન્સીઓના માલિકોના જણાવ્યા અનુસાર, પીક સીઝન દરમિયાન મુખ્ય મેટ્રો રૂટ પર વન-વે ટિકિટના ભાવ અત્યારથી જ રૂ. 4,000 થી રૂ. 7,000 ની વચ્ચે પહોંચી ગયા છે.

ફ્લાઈટ્સ રદ થવી અથવા રિશેડ્યુલ થવા જેવી સ્થિતિમાં મુસાફરોએ છેલ્લી ઘડીએ ઊંચા ભાવે ટિકિટ ખરીદવી પડે છે. આ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનો ઊંચો યુડીએફ ચાર્જ મુસાફરોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. ખાસ કરીને બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સ બંને અત્યારે ટિકિટના આ વધતા દરોથી પ્રભાવિત થઈ રહ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button