ગુજરાતની હવા ઝેરી બની, 53 દિવસ શ્વાસ લેવામાં મુશ્કેલી

અમદાવાદ: નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતની હવા વધુ ઝેરી બની હતી. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને કારણે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર નકારાત્મક અસરો થઈ રહી છે. આ પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામના સ્થળોએથી ઉડતી ધૂળ અને ખેતી સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આના પરિણામે, શ્વસનતંત્રને લગતી બિમારીઓ, હૃદયરોગ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી હતી.
અમદાવાદમાં નવ દિવસ હવાની ગુણવત્તા નબળી નોંધાઈ
નાણાકીય વર્ષ 2024-25માં, ગુજરાતને 53 દિવસ સુધી નબળી હવાની ગુણવત્તાનો સામનો કરવો પડ્યો હતો. જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય હવા ગુણવત્તા ચાર્ટમાં ગુજરાતનું પ્રદર્શન પ્રમાણમાં સારું હોવા છતાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં રાજ્યમાં 53 દિવસ હવા ‘નબળી’ અથવા ‘ખૂબ નબળી’ ગુણવત્તાવાળી રહી હતી. જેના પરથી શહેરી અને ઔદ્યોગિક વિસ્તારો પર પર્યાવરણીય દબાણ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. અમદાવાદમાં નવ દિવસ હવાની ગુણવત્તા નબળી નોંધાઈ હતી. જે રાજ્યના સૌથી મોટા શહેરમાં વધી રહેલા પ્રદૂષણ તરફ ઇશારો કરે છે.
વાપીમાં રાજ્યમાં સૌથી વધુ કુલ 30 દિવસ હવા ખરાબ રહી
અમદાવાદ ઉપરાંત, વાપી, વટવા, અંકલેશ્વર અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવાની ગુણવત્તા વધી રહી છે. જે ગુજરાતના ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં પ્રદૂષણના પડકારો દર્શાવે છે. દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી પ્રદૂષણનું કેન્દ્ર રહેલા વાપીમાં રાજ્યમાં સૌથી વધુ કુલ 30 દિવસ હવા ખરાબ રહી, જેમાં પાંચ દિવસને ખૂબ નબળી ગુણવત્તાવાળા તરીકે વર્ગીકૃત કરાયા હતા. ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ભરપૂર વટવામાં 10 દિવસ હવાની ગુણવત્તા નબળી રહી હતી. અન્ય એક મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરમાં ત્રણ દિવસ જ્યારે ગાંધીનગરમાં એક દિવસ હવાની ગુણવત્તા નબળી નોંધાઈ હતી.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ, વાયુની નબળી ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત ભારતના મુખ્ય ઔદ્યોગિક રાજ્યોમાં ત્રીજા ક્રમે હતું. મહારાષ્ટ્રમાં 334 દિવસ હવા નબળી અથવા ખૂબ નબળી ગુણવત્તાવાળી રહી હતી. દિલ્હીમાં 148 દિવસ, જ્યારે ગુજરાતનો કુલ આંક 53 દિવસ હતો. આ આંકડો તમિલનાડુના 40 દિવસ અને આંધ્ર પ્રદેશ 35 દિવસ કરતાં વધારે હતો. પર્યાવરણ નિષ્ણાતો મુજબ, ઔદ્યોગિક ઝોનમાં વારંવાર હવાની ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી, ત્યાં વધુ સઘન દેખરેખની જરૂર છે.
સૂત્રોએ જણાવ્યું કે, ઔદ્યોગિક ઉત્સર્જન મુખ્ય ફાળો આપનારું પરિબળ હોવા છતાં, ગુજરાતના શહેરી વિસ્તારોમાં હવાની નબળી ગુણવત્તાનું કારણ વાહનોનું પ્રદૂષણ, ખરાબ રસ્તાઓ પરની ધૂળ, અવ્યવસ્થિત બાંધકામ પ્રવૃત્તિ અને અપૂરતું જાહેર પરિવહન છે. ભીડવાળા રસ્તાઓ પર વાહનોનો વધુ સમય, ધૂળ નિયંત્રણના ઉપાયોનો અભાવ અને કિનારીઓ સુધી કાર્પેટવાળા રસ્તાઓની ગેરહાજરી પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. પીરાણા જેવા વિસ્તારોમાં, કચરો બાળવાથી ઔદ્યોગિક પ્રદૂષણમાં એક વધુ ઝેરી પડ ઉમેરાય છે. સુનિયોજિત શહેરી આયોજન, જાહેર પરિવહનમાં રોકાણ અને મોટા પાયે વનીકરણ વિના, આપણે માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહ્યા, પરંતુ જાહેર આરોગ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છીએ.
ગુજરાતના શહેરોમાં વાયુ પ્રદૂષણ, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં જ્યારે સૂક્ષ્મ કણો જમીનની નજીક રહે છે, તેની સીધી આરોગ્ય પર અસર થાય છે. તબીબોના જણાવ્યા મુજબ, પીએમ 2.5 અને પીએમ 10નું ઊંચું સ્તર શ્વાસ સંબંધિત બિમારીઓ જેવી કે અસ્થમા અને બ્રોન્કાઇટિસને ટ્રિગર અથવા વધુ ખરાબ કરી શકે છે. ઉપરાંત હૃદય રોગનું જોખમ વધારી શકે છે. પ્રદૂષણના ઊંચા સ્તર દરમિયાન ટૂંકા ગાળાના સંપર્કમાં પણ ઉધરસ, ગળામાં બળતરા અને ફેફસાના કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં થોડાં વર્ષોમાં, ઊંચા પ્રદૂષણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝમાં વધારો થયો છે. પહેલાં આવા કેસો સામાન્ય રીતે પારિવારિક ઇતિહાસ સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે પ્રદૂષણને કારણે થતી સતત ઉધરસ અને શ્વસન રોગો સામાન્ય છે. પ્રદૂષણના વધુ સંપર્કમાં રહેતા દર્દીઓને અસર ઘટાડવા માટે ફેસ માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ. ધૂમ્રપાન ન કરવા છતાં પણ, તેમાંથી કેટલાકના ફેફસાં ધૂમ્રપાન કરનારા જેવા હોય છે.
આ પણ વાંચો…ગુજરાતી NRI સાવધાન: ભારતમાં મિલકત વેચતા પહેલા ટેક્સના નવા નિયમો જાણી લો, નહીંતર લાગશે મોટો ફટકો…