
અમદાવાદઃ શહેરમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને નવી બિલ્ડિંગો બનતી હોય તેની આસપાસ પ્રદૂષણની માત્રા વધારે જોવા મળે છે. અમુક ડેવલપર્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસનની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે. અનેક સાઇટ્સ પર હવા પ્રદૂષણ વ્યવસ્થાપન ધોરણોના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં અનેક કોન્ટ્રાક્ટરો ઢાંકપીછાડો કરી રહ્યા છે. 2023 માં જાહેર થયેલા નિયમો હેઠળ, AMC એ અન્ય પગલાં ઉપરાંત, 10,000 ચોરસ મીટરથી મોટી તમામ બાંધકામ સાઇટ્સ પર PM10 સ્તરનું નિરીક્ષણ કરવા માટે એર ક્વોલિટી સેન્સર ફરજિયાત કર્યા હતા. હાલમાં, 100 થી વધુ સાઇટ્સ પર સેન્સર છે જે AMC ને રીઅલ ટાઇમ ડેટા બતાવે છે.
જોકે, જ્યારે કેટલીક સાઇટ્સના રીડિંગ્સ અસામાન્ય રીતે ઓછા હોવા છતાં ત્યારે શંકા ગઈ હતી. તેઓ સતત 50થી નીચે PM10 સ્તર બતાવતા હતા, જે છુપાવવા તરફ ઈશારો કરે છે. AMCની તપાસમાં બહાર આવ્યું કે તે ખરેખર છુપાવવાનું જ હતું. ઘણી સાઇટ્સ પર, રીડિંગ્સમાં હેરાફેરી કરવા માટે સેન્સર ભીના કપડાથી વીંટાળેલા જોવા મળ્યા હતા.
2023માં કોર્પોરેશને નવી નીતિ લાગુ કરી હતી. 10,000 ચોરસ મીટરથી મોટી સાઇટ્સ માટે બાંધકામ યોજનાઓને મંજૂરી આપવા માટે એર ક્વોલિટી સેન્સર ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બન્યું હતું. જુલાઈ 2025 સુધીમાં 100 સાઇટ્સ પર આવા સેન્સર છે. તેમણે કહ્યું કે જો પ્રદૂષણનું સ્તર વધશે તો બિલ્ડરને સૂચિત કરવામાં આવશે અને વારંવારના ઉલ્લંઘન માટે દંડ લાદવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે આદર્શ રીતે બાંધકામ સાઇટ્સ પર PM10નું સ્તર 60થી નીચે રહેવું જોઈએ અને શરૂઆતમાં કેટલીક સાઇટ્સ પર PM10નું સ્તર 300 જેટલું ઊંચું જોવા મળ્યું હતું, જેના કારણે અમે ડેવલપર્સને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
તાજેતરના મહિનાઓમાં, કેટલીક બાંધકામ સાઇટ્સ પર અસામાન્ય રીતે નીચા PM10 સ્તર જોવા મળ્યા હતા., જે સેન્સર સાથે ચેડા સૂચવે છે. ખાસ કરીને કેટલીક સાઇટ્સ પર સેન્સરની આસપાસ ભીના કપડા વીંટાળીને રીડિંગ્સમાં હેરાફેરી કરતા જોવા મળ્યા છે, પરંતુ આને પકડવું પડકારજનક છે. આવા ચેડાને રોકવા માટે પ્રયાસો ચાલુ છે.
2023ના નિયમોમાં ચાલુ બાંધકામ સાઇટ્સની આસપાસ ફરજિયાત બેરિકેડ્સ અને પૂરતી ઊંચાઈની સ્ક્રીન, છૂટક સામગ્રીને ઢાંકવા અને ધૂળ ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત બાંધકામ સ્થળોએ રસ્તાઓનું યોગ્ય પેવિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને વાહનોના ટાયરથી કાદવ કે ગંદકી અટકાવવાના પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિયમોમાં વાહન વ્હીલની સફાઈ સુનિશ્ચિત કરવા અને ભારે વાહનો દ્વારા રસ્તાઓ અથવા ફૂટપાથને નુકસાન અટકાવવા માટેની સૂચનાઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે જૂનમાં AMCની સ્થાયી સમિતિએ હવા પ્રદૂષણ અંગે સલાહ આપવા માટે તેણે ભાડે રાખેલી એજન્સીનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવ્યો હતો. નવી મુદત હવે 30 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થાય છે.