અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં થયો આટલો ઘટાડો | મુંબઈ સમાચાર

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં થયો આટલો ઘટાડો

અમદાવાદઃ એક સપ્તાહ પહેલા અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ પણ કેન્સલ થઈ હતી.

અન્ય એરલાઇન્સની તુલનામાં એર ઈન્ડિયાનું સસ્તું છે ભાડું

આ દુર્ઘટનાના વાયરલ વીડિયોને લઇને લોકો વિમાની મુસાફરી કરતા પણ ડરી રહ્યા છે. એર ઇન્ડિયાની ફલાઇટના બુકિંગમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. દુર્ઘટના બાદ અનેક મુસાફરોએ પોતાની ટિકિટો કેન્સલ કરાવી હતી. અમદાવાદથી લંડન જવા માટે અન્ય એરલાઇન્સની સરખામણીમાં એર ઇન્ડિયાનું ભાડું 10-15 હજાર ઓછું છે. તેમ છતાં લોકો હાલ અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે. બીજી તરફ આ માત્ર એક અકસ્માત જ હતો તેમ માનીને ઘણા લોકો પોતાની ટિકિટ રિશિડ્યૂલ પણ કરાવી રહ્યા છે.

દુર્ઘટના બાદ મુસાફરો પણ ડરી ગયા છે

અમદાવાદથી લંડન જવા માટે એર ઇન્ડિયા ઉપરાંત ઘણી એરલાઇન્સના વિકલ્પ છે. જોકે, તેમાં કનેક્ટ ફલાઇટમાં થોડો વધારે સમય લાગતો હોય છે. એર ઇન્ડિયા કરતા અન્ય એરલાઇન્સના ભાડા પણ વધારે છે, તેમ છતાં મુસાફરો હવે વધારે ભાડા ખર્ચીને અન્ય ફ્લાઇટમાં જવાનું પસંદ કરી રહ્યા સૂત્રોના જણાવ્યા મુજબ, વિમાન દુર્ઘટના બાદ છેલ્લા અઠવાડિયામાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સહિતની ઘણી ફરિયાદો ઉઠી હતી. સોમવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લા સમયે રદ કરવાની જાહેરાત કરતા મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. આ તમામ કારણોસર ડરી ગયેલા મુસાફરોએ એર ઇન્ડિયાની સંખ્યાબંધ ફ્લાઇટ રદ કરાવી હતી. જ્યારે નવા બુકિંગ પણ ઘટી રહ્યા છે. વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં 25 ટકાનો ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?

દુર્ઘટનામાં એક મુસાફરનો થયો હતો ચમત્કારિક બચાવ

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 મી જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેનમાં પાયલટ, કેબિન ક્રૂ અને મુસાફરો સહિત 242 મુસાફરો હતો. જે પૈકી 241ના મોત થયા હતા. વિમાન બી જે મેડીકલ કોલેજ હોસ્ટેલના પરિસરમાં તૂટ્યું હોવાથી સામાન્ય નાગરિકોના પણ મોત થયા હતા. દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button