
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ જામ્યા બાદ હવે છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, જો કે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી રહયો છે. જો કે વચ્ચેના એક વિરામ બાદ હવે હવામાન વિભાગે આગામી 17 જૂન સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પાડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 12 જૂનના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેમજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ તેમજ ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
જો કે ત્યારબાદ અડધા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 14મી જૂનના સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ તેમજ ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
16 અને 17 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ
ત્યારબાદ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16 અને 17 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ બે દિવસ દરમિયાન કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.