અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટના સતત વિલંબ થઈ રહ્યો છે, ઘણી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. અનેક ડિઝાઇન ફેરફારોને કારણે ખર્ચમાં પણ તીવ્ર વધારો થયો છે. તળાવને ફેબ્રુઆરી ૨૦૨૪ માં સમારકામ માટે બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે AMC દ્વારા છ મહિનાની સમયરેખા જાહેર કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓ તો ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. જૂન 2022માં ભારે વરસાદને કારણે તળાવની પાળને કેટલાક સ્થળોએ નુકસાન થયું હતું. તેમજ ભૂવા પડ્યા હતા.
AMC એ શરૂઆતમાં સમારકામ માટે ₹ એક કરોડ ફાળવ્યા હતા, ત્યારબાદ ભૂવા પૂરવા માટે થોડા લાખ ફાળવ્યા હતા. આખરે, અધિકારીઓએ સંપૂર્ણ પાયે પુનર્વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. વૉક વે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ઉંદરોએ ઊંડા ખાડાઓ કર્યા હતા, જેના કારણે રસ્તાના કેટલાક ભાગો તૂટી પડ્યા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં, મૂળ પ્રોજેક્ટ ખર્ચ ₹ 5 કરોડથી વધીને ₹ 8 કરોડ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન તેનું સ્તર જાળવી રાખવામાં આવશે. અગાઉ તળાવમાં કચરો ઠાલવતી અડધો ડઝનથી વધુ ગટર લાઇનોને ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી. એક નવો 2 મિલિયન લિટર પ્રતિ દિવસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વિચારણા હેઠળ છે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ આવવાની હોવાથી, સત્તાધારી પક્ષ અધિકારીઓને મુખ્ય પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી રહ્યો છે. દાણીએ જણાવ્યું હતું કે, તળાવના ઉદ્ઘાટન માટે કામચલાઉ ધોરણે 5 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.
આ પણ વાંચો…અમદાવાદના તળાવો ઘટ્યાઃ ઔડાની ભૂતકાળની ટીપી યોજનાએ શહેરી તળાવોનો વિકાસ રૂંધ્યો…



