અમદાવાદનું નિકોલ સામાન્ય વરસાદમાં બન્યું જળબંબાકાર: ગરમીમાંથી નાગરિકોને મળી મુક્તિ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેનાથી લોકોને છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ગત રાત્રિએ ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અને નવસારી સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પરિણામે હવામાનમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિકાસના દાવા અને પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે, ખાસ કરીને નિકોલ વિસ્તારમાં.
નિકોલમાં ભરાયા વરસાદી પાણી
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઈકાલે પડેલા થોડા જ વરસાદમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં ડ્રેનેજ સફાઈ અને પાણી ન ભરાય તે માટેના દાવા કરવામાં આવે છે, પરંતુ નિકોલની આ સ્થિતિ દર્શાવે છે કે આ દાવાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરોધ પક્ષે આરોપ મૂક્યો હતો કે “નિકોલના કોર્પોરેટરોનો અને ધારાસભ્યનો વિકાસ થયો છે, જ્યારે જનતા હેરાન પરેશાન થઈ રહી છે.”
આ પણ વાંચો: કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો! અમદાવાદ અને મહીસાગરમાં એક એક મકાન ધરાશાહી, બેના મોત
આગાહી અને વર્તમાન પરિસ્થિતિ
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ફરી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગત રાત્રિના વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા, જે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સૂચવે છે. આજે વહેલી સવારે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયો હતો અને અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, જેથી આજે પણ વરસાદ થવાની સંભાવના છે. એક તરફ વરસાદે ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ અમદાવાદ જેવા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે.