અમદાવાદનું માણેકચોક ખાણી પીણી બજાર એક મહિનો રહેશે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા માણેક ચોક વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાની યોજના શરૂ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત મુજબ, આ પ્રોજેક્ટ માટે લોકપ્રિય માણેક ચોક રાત્રી ખાણી પાણી બજાર ઓછામાં ઓછા એક મહિનો બંધ રાખવાની ફરજ પડશે. આ યોજના ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક બે દિવસમાં પ્રોજેક્ટની સત્તાવાર વિગતો જાહેર થશે.
ગયા વર્ષે સ્ટેન્ડિંગ કમિટીએ જમાલપુર, શાહપુર અને શાહીબાગમાં પાણી અને ગટર લાઇન બદલવા માટે ₹151.14 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જે હવે ખાડિયા સુધી વિસ્તરશે. ઉંદરોથી નુકસાન પામેલી પાઇપલાઇનોને કારણે જૂના શહેરના ઘણા વોર્ડમાં ગટરના પાણી બેકઅપ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. નવી યોજનામાં લાંબા ગાળાના ઉકેલ માટે ડબલ-વોલ કોરુગેટેડ પાઇપલાઇનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. પાલિકાના અધિકારીઓએ મુજબ, ડ્રેનેજનું કામ પૂર્ણ થયા પછી માણેક ચોક ફૂડ કોર્ટનું રિડેવલપમેન્ટ શરૂ થશે.
તંત્ર દ્વારા ખાણી-પીણી વિક્રેતા અને સોની બજારના વેપારીઓને સુચના પણ આપી દેવામાં આવી છે. જો કે, બજાર ક્યારે ખુલશે તેની તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે. તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહેવાથી અહીંના ખાણીપીણીના વેપારીઓને મોટો ફટકો પડશે.
આ પણ વાંચો…રાજકોટમાં 410 કરોડના લક્ષ્યાંક સામે વેરા વસૂલાતનો આંકડો 374 કરોડને આંબ્યો
અમદાવાદની સ્થાપના કરનાર અહેમદશાહ બાદશાહને પરચો બતાવનાર સંત માણેકનાથ બાવાના નામથી જાણીતું થયેલું માણેકચોક બજાર સતત ધમધમતું રહે છે. માણેકચોક બજારમાં સોના-ચાંદીની 75 થી 100 દુકાન ઉપરાંત વ્યક્તિનાં જન્મ સમયના જિયાણાંથી લઇને લગ્ન સહિતના તમામ સંસ્કારને લગતી ચીજવસ્તુઓ મળી રહે છે. રાત્રે ભરાતા ફૂડ માર્કેટમાં ઘણી વખત વિદેશીઓ પણ આવે છે. રાજ્યભરમાંથી અનેક ખાવાપીવાના રસિયા માણેકચોક ખાણીપીણી બજારની અચૂક મુલાકાત લેતા હોય છે. ર૦૦રના તોફાનો દરમિયાન પણ આ ખાણીપીણી બજાર બંધ રહ્યું હતું. જે બાદ ફરી એક વખત આ માર્કેટ લાંબા સમય સુધી બંધ રહેશે.