અમદાવાદના ઓટો માર્કેટમાં તેજી, પ્રથમ નવરાત્રીએ વેચાયા 3500 વાહનો…

અમદાવાદ: નવરાત્રીની શરૂઆત સાથે જ અમદાવાદના ઓટો માર્કેટમાં વાહનોના વેચાણમાં તેજી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ,એક જ દિવસમાં ૩,૫૦૦ બુકિંગ અને ડિલિવરી થઈ હતી.
જેમાં મુખ્યત્વે એસયુવી, કાર અને ટૂ-વ્હીલરની માંગમાં સતત વધારો જોવા મળ્યો હતો. ડીલરોએ આ તેજીનો શ્રેય GST-સંબંધિત ભાવ ઘટાડા, તહેવારોની ઓફરો અને ગ્રાહકોની સકારાત્મક ભાવનાને આપ્યો હતો.
મુખ્યત્વે પેસેન્જર કાર અને એસયુવીએ ધ્યાન ખેંચ્યું હતું. ટૂ-વ્હીલરનું વેચાણ પણ સારું રહ્યું હતું. ગ્રાહકો સવારથી જ ડિલિવરી લેવા અથવા નવા બુકિંગ કરવા માટે લાઈનમાં ઊભા હતા. સૂત્રોએ જણાવ્યું, GST રિવિઝન પછી ભાવમાં મળેલી રાહતથી લોકોની ભાવના સ્પષ્ટપણે વધી છે.
પેસેન્જર કાર સેગમેન્ટમાં, ખરીદદારો ₹ 40,000 થી ₹ 1 લાખ સુધીની બચત કરી રહ્યા છે. ટૂ-વ્હીલર માટે પણ ₹ 10,000 થી ₹ 15,000 સુધીના ડિસ્કાઉન્ટ પ્રોત્સાહન તરીકે કામ કરી રહ્યા છે.
પ્રથમ નવરાત્રીએ શહેરમાં ઘણા શોરૂમમાં પૂજા સમારોહ, ખાસ ડિલિવરી કાઉન્ટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેનાથી કાર અને બાઇકની ડિલિવરી એક પારિવારિક ઉજવણીમાં ફેરવાઈ ગઈ હતી. સૂત્રોના કહેવા મુજબ, આ ગતિ તહેવાર પછી પણ ચાલુ રહેશે.
આગામી 40 દિવસમાં બજાર તેજીમય રહેશે અને આ ગતિ ચાલુ રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ કારમાં આગામી પાંચ વર્ષમાં વધુ ખરીદદારો જોવા મળશે. જેની પાછળનું કારણ પોસાય તેવી કિંમત છે. આ ઉપરાંત અપગ્રેડેડ મોડેલ્સ અને વધુ સારા EMI વિકલ્પો પણ નવા ગ્રાહકોને આકર્ષી રહ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ, ઓટો સેક્ટર માટે આ પગલું યોગ્ય સમયે આવ્યું છે. અગાઉના બે સુસ્ત ક્વાર્ટરથી ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ નવરાત્રીની આ તેજી ડીલરશીપ અને ઉત્પાદકો બંને માટે જરૂરી રાહત લઈને લાવશે.
આ પણ વાંચો…નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં 800થી વધુ ફોરવ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલર વેચાયા