અમદાવાદમાં યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શું છે મામલો
અનિલ હડિયા નામનો યુવક ગત એપ્રિલમાં શાંતિપુરા સર્કલ પાસે હેલમેટ વગર વાહન ચલાવતાં ઝડપાયો હતો. પોલીસે તેના લાયસન્સ નંબરનો ફોટો પાડ્યો હતો. જે બાદ તેને ચલણ મોકલવામાં આવ્યું હતું. તે શાંતિપુરા સર્કલ ટ્રાફિક પોલીસે ગયો હતો અને ઓનલાઈન ચલણ ભરવા જણાવ્યું હતું. થોડા દિવસો બાદ તે આ ચલણ ભૂલી ગયો હતો. આરટીઓના કામ માટે તે ટુ વ્હીલર લઈને ગયો હતો. જ્યાં તેને ચાર ચલણ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. તેણે ત્રણ ચલણ ભરી દીધા હતા અને ચોથું ભર્યું નહોતું.
8 માર્ચે તેને ઓઢવ પોલીસ દ્વારા કોર્ટના સમન્સ મળ્યા બાદ ચલણ ભરવા ગયા, ત્યારે તેમને જાણવા મળ્યું કે સિસ્ટમમાં ટ્રાફિકના ગુના માટે 500 રૂપિયાના દંડને બદલે 10,00,5૦૦ રૂપિયાની રકમ દર્શાવવામાં આવી હતી. યુવકે કહ્યું, હું કાયદાનો વિદ્યાર્થી છું અને મારા પિતા એક નાના ઉદ્યોગપતિ છે. જો કોર્ટ મને 10 લાખ રૂપિયા ચૂકવવાનું કહેશે તો હું કેવી રીતે ચૂકવીશ. જેને લઈ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશ્નર કચેરીએ રજૂઆત કરવા આવ્યો હતો.
આ પણ વાંચો…કચ્છના રણમાં છે લિથિયમનો જથ્થો? સરકારે સંશોધન હાથ ધર્યુ